Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Valu’

ગુજરાતી ફિલ્મો વિષે આજે જ એક લાંબો લેખ લખવાનું થયું છે. “નવચેતન”ના દિવાળી અંકમાં તે છપાશે. ગુજરાતી ફિલ્મો વિષે જ્યારે પણ લખવાનું થાય છે, ત્યારે મન ગ્લાનિથી ભરાઇ જાય છે. શું નથી આપણી પાસે? પ્રતિભા છે, સાધનોની કમી નથી, પૈસા છે, પણ આખા વરસમાં સમ ખાવા પૂરતી એક સારી ફિલ્મ બનાવી શકતા નથી. પહેલી ગુજરાતી ફિલ્મ “નરસિંહ મહેતા” ૧૯૩૨માં બની હતી તેને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો પ્રારંભ ગણીએ તો આ ઉદ્યોગને ૭૭મું વર્ષ ચાલી રહ્યું છે. ૨૦૦૭માં પ્લેટિનમ જયંતી પણ ઊજવી હતી. એ વર્ષે પણ એવી એક પણ ફિલ્મ ન બની જે આ ઉજવણીને સાર્થક કરે. ગુજરાતી ફિલ્મો ભલે ૭૭ વર્ષથી બનતી હોય, પણ ખરી વાત એ છે કે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ગુજરાતીઓનું પ્રદાન આ ઉદ્યોગ જેટલું જ જૂનું છે. નિર્માતાઓ, દિગ્દર્શકો, કલાકારો, ફાઇનાન્સિયરો અને બીજા સાહસિકો આ ઉદ્યોગને આગળ વધારવા પાયાના પથ્થર બનવાનું કામ કર્યું છે. આજે પણ બોલીવૂડમાં ફિલ્મનિર્માણનાં લગભગ બધાં જ ક્ષેત્રોમાં ગુજરાતીઓ છવાયેલા છે. ગુજરાતી પરિવારોની કહાણીઓ કહેતી હિંદી સિરિયલો દેશભરમાં ધૂમ મચાવી રહી છે અને તેમાં પણ ઘણાં ગુજરાતી કલાકારો કામ કરી રહ્યાં છે, પણ આમાં ક્યાંય ગુજરાતી ફિલ્મોની વાત કરી શકાય તેમ નથી.

ભારતનો ફિલ્મ ઉદ્યોગ ભલે સંખ્યાની દૃષ્ટિએ હોલીવૂડની બરાબરી કરતો હોય, અને આજે ભલે Thanks to NRIs હિંદી ફિલ્મોનું બહુ મોટું બજાર વિદેશોમાં ખૂલી ચૂક્યું છે, પણ આજથી પાંચેક દાયકા પહેલાં હિંદી ફિલ્મોને વિદેશોમાં કોઇ ગંભીરતાથી લેત્યં નહિ ત્યારે બંગાળી અને દક્ષિણમાં બનેલી કેટલીક પ્રાદેશિક ફિલ્મોએ જ ભારતને આંતરરાષ્ટ્રીય નકશામાં સ્થાન અપાવ્યું હતું. ગુણવત્તા અને ટેકનોલોજીમાં બંગાળી અને દક્ષિણની ફિલ્મો હિંદી ફિલ્મોને માત આપે એવી હોય છે, એટલે તેમની સાથે તો ગુજરાતી ફિલ્મોની સરખામણી કોઈ કાળે ન થઈ શકે, પણ હાલનાં વર્ષોમાં જ ધમધમવા માંડેલા ભોજપુરી ફિલ્મ ઉદ્યોગ કે મહારાષ્ટ્રમાં બનતી મરાઠી ફિલ્મો સાથે પણ આજની ગુજરાતી ફિલ્મોની સરખામણી થઈ શકે તેમ નથી.

ગુજરાતી ફિલ્મોની વાત મરાઠી ફિલ્મોના સંદર્ભમાં કરવી એટલે જરૂરી છે કે ગુજરાતી ફિલ્મો ગુજરાતમાં કેમ બહુ જોવાતી નથી એ સંદર્ભે ઘણા એવી દલીલ કરતા હોય છે કે ગુજરાત મુંબઈની બહુ નજીક છે અને અહીંનો ગામડાનો માણસ પણ હિંદી ફિલ્મો સરળતાથી માણી શકતો હોવાથી હિંદી ફિલ્મોની નબળી નકલ જેવી ગુજરાતી ફિલ્મો કરતાં હિંદી ફિલ્મો તેમને વધુ આકર્ષે છે. જો એવું જ હોય તો મરાઠી ફિલ્મોને પણ તે એટલું જ લાગુ પડવું જોઈએ, પણ એવું નથી. મરાઠી ફિલ્મો  ગુજરાતી ફિલ્મો કરતાં ઘણી આગળ છે. બે વર્ષ પહેલાં એક મરાઠી ફિલ્મ “શ્વાસ” છેક ઓસ્કર એવોર્ડને બારણે ટકોરા મારીને આવી હતી, અને આ વર્ષે ભલે ઓસ્કરમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે “તારે જમીન પર” (Taare Zameen Par)ને મોકલવાનું નક્કી થયું હોય, પણ ઓસ્કરમાં મોકલવા માટે જે સાત-આઠ ફિલ્મો પર વિચાર કરાયો હતો અને છેલ્લે “TJP” પર પસંદગીની મહોર વાગી તે પહેલાં તેને જે ફિલ્મ સાથે ખરેખરી સ્પર્ધા કરવી પડી હતી તે “ટિંગ્યા” (TINGYA) મરાઠી ફિલ્મ છે. દિગ્દર્શક તરીકે મંગેશ હડવળેની આ પહેલી જ ફિલ્મ છે. એક બળદ સાથેના એક બાળકના સ્નેહની હૃદયસ્પર્શી વાત આ ફિલ્મમાં છે. પાંચ આંતરરાષ્ટ્રીય સહિત ૩૭ એવોર્ડ આ ફિલ્મ જીતી ચૂકી છે અને એક ઓર મજાની વાત એ છે કે મુંબઈમાં આ વર્ષે યોજાયેલા ફિલ્મોત્સવ MAMI માં “તારે જમીન પર” અને “ચક દે ઇન્ડિયા”ને પછાડીને “ટિગ્યા” શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીતી ગઈ હતી. “ટિંગ્યા”ના નિર્માતા રવિ રાયે આ ફિલ્મને સ્વતંત્ર રીતે ઓસ્કરમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ જ વર્ષે મરાઠીમાં બનેલી બીજી એક ફિલ્મ “વળુ” (VALU) પણ આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવોમાં ધૂમ મચાવી રહી છે. દિગ્દર્શક ઉમેશ કુલકર્ણીની આ ફિલ્મની કથાના કેન્દ્રમાં તોફાને ચઢેલો એક આખલો છે. આ જ વર્ષની એક મરાઠી ફિલ્મ “જિન્કી રે જિન્કી” (Jinki Re jinki)ને આધારે શિક્ષકો માટે ટ્રેનિંગ કિટ વિકસાવી શકાય તે માટે તેને યુનેસ્કો દ્વારા પસંદ કરવામાં આવી છે.

ગુજરાતી ફિલ્મો વિષે કોઇ વાત કરી શકાય તેમ છે?

Read Full Post »