Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Vidya Balan’

“ધ ડર્ટી પિક્ચર” પછી એકદમ જ લાઈમ લાઇટમાં આવી ગયેલી વિદ્યા બાલન આજકાલ એવી ઇચ્છા વ્યક્ત કરી રહી છે કે તે ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવવા ઇચ્છે છે. ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવવી કઈ અભિનેત્રીને ન ગમે, પણ લાગે છે કે વિદ્યાનું આ સપનું કદાચ ક્યારેય સાકાર નહિ થઈ શકે.

જીવંત કે દિવંગત વ્યક્તિઓના જીવન પરથી બનતી ફિલ્મ, જેને અંગ્રેજીમાં Biopic કહે છે, તેનું નિર્માણ હોલીવૂડમાં જેટલું સહજ અને સરળ છે એટલું બોલીવૂડમાં નથી. હોલીવૂડમાં હજી હાલમાં જ આવી ત્રણ ફિલ્મો બની ચૂકી છે, જેમાંની એક “ધ આયર્ન લેડી” બ્રિટનનાં ભૂતપૂર્વ વડાંપ્રધાન માર્ગારેટ થેચરના જીવન પર આધારિત છે અને તેમાં થેચરની ભૂમિકા ભજવવા માટે આ વર્ષે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કર મેરિલ સ્ટ્રીપને મળ્યો છે. બીજી ફિલ્મ “જે. એડગર” અમેરિકન ગુપ્તચર સંસ્થા એફબીઆઇના ચીફના હોદ્દા પર લગભગ ૫૦ વર્ષ રહેલા એડગર હુવરના જીવન પરથી બનાવાઇ હતી અને ત્રીજી ફિલ્મ “ધ લેડી” મ્યાંમારમાં માનવ અધિકારો અને લોકશાહી શાસન માટે લડત ચલાવી રહેલાં સૂ કીના જીવન પરથી બનાવાઇ છે.

બોલીવૂડમાં આવી ફિલ્મો નથી બનતી એવું યે નથી. તા. ૨ માર્ચે રીલીઝ થનારી “પાનસિંઘ તોમર” આવી જ એક બાયોપિક છે, પણ બોલીવૂડમાં બોયોપિક બનવાનું પ્રમાણ ઘણું ઓછું છે. એમાંય જો કોઈ રાજકીય વ્યક્તિના જીવન પરથી બાયોપિક બનાવવી હોય તો તો નિર્માતા-દિગ્દર્શકને ભગવાન બચાવે એવી તેની હાલત થઈ જાય. તેને કારણે હોલીવૂડમાં અનેક મહાનુભાવોના જીવન પરથી અસંખ્ય ફિલ્મો બની ચૂકી છે, પણ બોલીવૂડમાં એ સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે.

અહીં મોટા ભાગે તો આવી ફિલ્મો બનાવવા ઇચ્છતા ફિલ્મકારો વચલો રસ્તો કાઢીને કોઈ વ્યક્તિના જીવન પરથી પ્રેરણા લઈને તેને કલ્પનાના વાઘા પહેરાવી ફિલ્મો બનાવે છે.  સિલ્ક સ્મિતાના જીવન પરથી પ્રેરિત ગણાતી  “ધ ડર્ટી પિકચર” પણ તેનું ઉદાહરણ છે, અને સ્વ. ધીરુભાઈ અંબાણીના જીવન પરથી પ્રેરિત ગણાતી “ગુરુ” પણ તેનું ઉદાહરણ છે.

આ કારણે જ વિદ્યા બાલન જ્યારે એવી ઇચ્છા વ્યક્ત કરતી હોય કે તેને ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવવી છે તો તે લગભગ તો અશક્ય બની રહે છે. એમાંય હવે જ્યારે તે “ધ ડર્ટી પિકચર”માં કામ કરી ચૂકી છે એ પછી તો એ ભાગ્યે જ શક્ય બની શકે તેમ છે. જો એવું ન હોત તો “ઇન્દિરા ગાંધી – ટ્રાઇસ્ટ વિથ ડેસ્ટિની” ફિલ્મ પાંચ-સાત વર્ષ પહેલાં રીલીઝ પણ થઈ ગઈ હોત. એ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીની ભૂમિકા માટે મનીષા કોઇરાલાની પસંદગી કરાઇ હતી. મહારાની પદ્મિનીદેવી પ્રતિષ્ઠાન વતી નીતિન કેની નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન એન. ચંદ્રા કરવાના હતા. પટકથા કમલેશ્વરે લખી હતી. ઇન્દિરા ગાંધીના ગેટ-અપમાં મનીષાની તસવીરો પણ અખબારોમાં પ્રગટ થઈ ચૂકી હતી અને  ફિલ્મ ફ્લોર પર જવાની તૈયારી હતી ત્યાં એક ઇન્દિરાભક્ત કોંગ્રેસી કાર્યકરે ફિલ્મનું નિર્માણ અટકાવવા રીટ કરી દીધી. કારણ એ હતું કે મનીષાએ “માર્કેટ” નામની એક ફિલ્મમાં વેશ્યાની ભૂમિકા ભજવી હતી. વેશ્યાની ભૂમિકા ભજવનાર ઇન્દિરા ગાંધીની ભૂમિકા કઈ રીતે ભજવી શકે. મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, પણ અંતે પ્રોજેક્ટનું પડીકું વાળી દેવાયું.

બાય ધ વે, સોનિયા ગાંધીના જીવન પરથી “સોનિયા સોનિયા” નામની એક ફિલ્મ પણ અટવાયેલી પડી છે. તેમાં સોનિયા જેવો લૂક ધરાવતી પૂર્વા પરાગ નામની અભિનેત્રીએ સોનિયાની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ માટે સોનિયા ગાંધીની મંજૂરીની રાહ જોવાઇ રહી છે. થોડા સમય પહેલાં અવસાન પામેલા ફિલ્મકાર જગમોહન મુંદ્રા પણ સોનિયાના જીવન પર ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા, પણ તેમને મંજૂરી અપાઇ નહોતી.

હોલીવૂડમાં તો અસંખ્ય બાયોપિક બની ચૂકી છે, પણ વાતનું સમાપન “W.” સાથે કરીએ. આ ફિલ્મ અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ જ્યોર્જ બુશના જીવન પરથી બનાવાઇ છે.તેમાં બુશના વિવાદાસ્પદ વ્યક્તિત્વનું નિરુપણ કરાયું છે. આ ફિલ્મમાં એવું ધણું છે, જે બુશને નહોતું ગમ્યું. ૨૦૦૮માં આ ફિલ્મનું નિર્માણ થયું ત્યારે બુશ સત્તા પર હતા, પણ તેને રીલીઝ થતી રોકાઇ નહોતી.

 

Read Full Post »

ઇશ્કિયા…

પહેલાં “ઓમકારા”, પછી “કમીને” અને હવે “ઇશ્કિયા”. વિશાલ ભારદ્બાજની ફિલ્મો સાવ જુદો જ ચીલો ચાતરી રહી છે. ઉત્તરભારતના ગ્રામીણ પરિવેશનો આ માણસે જબરદસ્ત અભ્યાસ તો કર્યો જ છે, પણ વધુ મહત્ત્વનું એ છે કે પડદા પર તેને પ્રભાવક રીતે રજૂ કરવાની તેનામાં જબરી ફાવટ છે. સાવ જમીન સાથે જોડાયેલાં પાત્રો, એવું જ કથાનક અને તેની નરી વાસ્તવિકતા સાથેની રજૂઆતનું ગજબનું પેકેજ તેની ફિલ્મો બની રહે છે.   “ઇશ્કિયા”માં જે ભાષા વપરાઇ છે એ તો અહીં નથી વાપરી શકાય તેમ, પણ ગોરખપુર તરફના જે વિસ્તારની તેમાં વાત છે, ત્યાં છોકરો ચડ્ડી પહેરતાં શીખે એ પહેલાં તમંચો ચલાવતાં શીખે એમાં કોઇ અતિશયોક્તિ નથી. દેશી તમંચા તો ત્યાં ગૃહ ઉદ્યોગની જેમ બનાવાય છે.

આવી પૃષ્ઠભૂમિમાં ગુનાઇત માનસ ધરાવતાં બે પુરુષો અને એક સ્ત્રી વચ્ચે પ્રેમ તો નહિ પણ શારીરિક આકર્ષણની કહાણી એક અઘરો ખેલ બની રહે, પણ “ઇશ્કિયા”માં તે સાવ સહજ રીતે રજૂ થઇ છે. ખાલુજાન (નસીરુદ્દીન શાહ) અને તેનો ભાણિયો બબ્બન (અરશદ વારસી) પોતાના બનેવીના કારખાનામાંથી જ લાખોની ચોરી કર્યા પછી નેપાળ ભાગી જવા માટેનો વેત કરવા જે ગામમાં આવે છે ત્યાં ક્રિષ્ના (વિદ્યા બાલન) છે. ક્રિષ્નાનો મરી ગયેલો મનાતો પતિ વર્મા તો હવે રહ્યો નથી એટલે આ કામ કરી આપે એવો બીજો કોઇ માણસ મળે ત્યાં જ રહી જાય છે અને ક્રિષ્નાના આઇડિયા મુજબ ત્રણે મળીને ગોરખપુરના એક માલદાર માણસના અપહરણનો પ્લાન બનાવે છે. એ દરમ્યાન ખાલુજાન અને બબ્બન બંને ક્રિષ્ના તરફ આકર્ષાઇ ચૂક્યા છે. ખાલુ પરિપક્વ છે. તે જે આકર્ષણ અનુભવે છે તેમાં પ્રેમનું તત્ત્વ વધુ છે, પણ બબ્બન માટે તે શારીરિક ભૂખથી વધુ નથી. અને ક્રિષ્ના માટે બંને સરખા છે. ખરેખર તો બંનેને તે પોતપોતાની રીતે રમાડે છે.

નસીર, અરશદ અને વિદ્યા આ ત્રણેયમાં સરપ્રાઇઝ એલિમેન્ટ હોય તો તે વિદ્યા અને અરશદ છે. નસીર માટે તો કોઇ પણ પાત્ર ભજવવું એ કેટવોક સમાન જ હોય છે અને “ઇશ્કિયા” પણ તેમાં અપવાદ નથી, પણ તેના જોડીદાર તરીકે અરશદે જે કામ કર્યું છે અને એ બંને સામે વિદ્યા બાલન જે રીતે ઊભી રહી છે તે અદભુત છે. હજી હમણાં સુધી એકદમ સોબર ઇમેજ ધરાવતી વિદ્યાએ તેનાથી સાવ વિપરિત કામ કર્યું છે અને તે પણ સાવ સહજપણે. થોડાં વર્ષો પહેલાં “હમ પાંચ” સિરિયલની પાંચ બહેનો પૈકી એકનું સાવ નગણ્ય પાત્ર ભજવનારને તક મળી તો “પરિણીતા”થી લઈને ક્યાં પહોંચી ગઈ. ટેલેન્ટ ઝાઝો સમય છૂપી નથી રહી શકતી એવું આ એક ઓર ઉદાહરણ છે.

સાવ વાસ્તવની ધરાતલ પર આકાર લેતી આ કહાણીને ઓર વાસ્તવિક બનાવવામાં તળપદા સંવાદો અને ગુલઝારનાં ગીતોએ પણ મોટો ભાગ ભજવ્યો છે. જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ ગુલઝારની કલ્પનાશક્તિ નવા સીમાડાઓ સર કરી તે પણ “ઇબ્ન બતૂતા” જેવાં ગીતો પુરવાર કરતાં રહ્યાં છે. હિંદી ફિલ્મોનો એક બહુ જાણીતો સંવાદ છે, “તુમ્હારા ખૂન ખૂન ઔર હમારા ખૂન પાની?” આ ફિલ્મમાં વિદ્યા પ્રત્યેના પ્રેમ સંબંધે અરશદ નસીરને કહે છે, “તુમ્હારા ઇશ્ક ઇશ્ક ઔર હમારા ઇશ્ક સેક્સ?”

Read Full Post »