કોઇ ભારતીયને ઓસ્કરના ઉંબરે ખડા કરી દેનારી ફિલ્મ Slumdog Millionaire જેના આધારે બનાવાઈ છે તે વિકાસ સ્વરૂપની અંગ્રેજી નવલકથા Q & A નો ગુજરાતી અનુવાદ “જેકપોટ” વાંચ્યો. ફિલ્મ તો પહેલા જ દિવસે જોઇ લીધેલી. ઘણા સમય પહેલાં એવું વાંચ્યાનું કે સાંભળ્યાનું યાદ છે કે અભિવ્યક્તિનાં બધાં માધ્યમોમાં લિખિત શબ્દની જે તાકાત છે તે અનન્ય છે. પહેલી વાર તેનો અનુભવ Alistair MacLean ની થ્રિલર પરથી બનેલી ફિલ્મ Breakheart Pass જોઇ હતી ત્યારે થયો હતો. નવલકથામાં જે થ્રિલ હતું તે ફિલ્મમાં નહોતું. લિખિત શબ્દની એ તાકાત હતી. એ પછી તો વીતેલાં વર્ષોમાં આવો અનુભવ ઘણી વાર થતો રહ્યો છે. Slumdog Millionaire જોયા પછી Q & Aનો અનુવાદ “જેકપોટ” (અનુવાદ : સુધા મહેતા, પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ-મુંબઈ, કિંમત રૂ. ૧૬૦) વાંચીને વધુ એક વાર આ અનુભૂતિ થઈ.
તમામ પ્રકારના અભાવો વચ્ચે ઝૂંપડપટ્ટીમાં ઊછરેલો છોકરો એક ક્વિઝ-શોમાં બધા જ પ્રશ્નોના સાચા જવાબો આપીને સૌથી મોટું ઇનામ જીતી જાય છે, અને તેને પુછાયેલા બધા પ્રશ્નોના જવાબો તેણે જીવેલી જિંદગીમાંથી તેને મળ્યા છે એ મૂળ આઇડિયાને બાદ કરીએ તો Slumdog Millionaire અને Q & Aને ખાસ કંઇ લાગતુંવળગતું નથી. એટલે સુધી કે જમાલને પુછાયેલા પ્રશ્નો અને તેના જવાબ સંદર્ભે જિવાયેલી જિંદગીનું નિરુપણ પણ જુદું છે.
એ વાત સાચી છે કે Q & A કોઈ પ્રશિષ્ઠ સાહિત્યિક કૃતિ નથી કે તેના પરથી ફિલ્મ બનાવનારે મૂળ પાઠને વળગી રહેવું પડે અને આમ પણ ફિલ્મકારો સિને માધ્યમની જરુરિયાત મુજબ ફેરફારો કરતા જ હોય છે, એટલે Slumdog Millionaireમાં વ્યાપક ફેરફારો કરાયા છે એ કોઇ નવાઇની વાત નથી, પણ મજા એ વાતની છે કે ફિલ્મ કરતાં નવલકથાએ વધુ જલસો કરાવી દીધો, એટલું જ નહિ, ફિલ્મ કરતાં નવલકથા વધુ લોજિકલ પણ છે. બાય ધ ફિલ્મમાં જે વ્યાપક ફેરફાર કરાયા છે તે સાથે લેખક વિકાસ સ્વરૂપ સહમત છે, અન તેમની નવલકથાનું હાર્દ ફિલ્મમાં જળવાયું છે એવું તેઓ માને છે.
નવલકથામાં ક્વિઝમાં પુછાતા દરેક પ્રશ્નનું એક અલાયદું પ્રકરણ અને એ દ્વારા ખુલ્લી થતી યુવાન (ફિલ્મનો જમાલ નવલકથામાં રામ મુહમ્મદ થોમસ છે)ની સંઘર્ષમય જીવનકિતાબનાં પાનાં, જેમાં તે અવનવી પરિસ્થિતિમાં મુકાતો રહે છે અને અવનવાં પાત્રોના પરિચયમાં આવતો રહે છે. એક નવલકથાને રસપ્રદ બનાવવા અને વાચકને જકડી રાખવા જરૂરી હોય એ Twist and Turn નાં બધાં તત્ત્વો અહીં મોજૂદ છે.
ક્વિઝ-શોમાં છેક સુધી પહોંચી ગયેલા યુવાનને ખરેખર શા માટે પકડવામાં આવે છે, તે પોતાની જીવનકિતાબનાં પાનાં કોની સમક્ષ ખોલે છે અને ખાસ તો ક્વિઝ-શોની તિકડમબાજી આ બધું જે રીતે નવલકથાંમાં છે એવું ફિલ્મમાં નથી. નવલકથામાં અંતે જે કેટલાંક રહસ્યો ખૂલે છે તે પણ ફિલ્મમાં નથી. અને હા, અમિતાભના ઓટોગ્રાફવાળો જુગુપ્સાપ્રેરક સીન ફિલ્મમાં છે એ પણ નવલકથામાં નથી.
Slumdog Millionaire ફિલ્મ તમે જુઓ કે ન જુઓ, નવલકથા તો વાંચવા જેવી છે જ…