Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘War Movie’

ઓસ્કર એવોર્ડના ૮૨ વર્ષના ઇતિહાસમાં પહેલી જ વાર શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ એક મહિલાને મળ્યો. અમેરિકામાં ભલે તા. ૭ માર્ચે રાત્રે આ એવોર્ડ એનાયત થયો હોય, પણ ભારતમાં તો ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિને જ આ ધટના બની. ફિલ્મ “ધ હર્ટ લોકર” (The Hurt Locker)માટે કેથરીન બિગલો  (Kathryn Bigelow)એ આ સિદ્ધિ મેળવી છે અને વધુ રસપ્રદ એ છે કે જેની સાથે તેને સીધી  સ્પર્ધા હતી એ “અવતાર”ના દિગ્દર્શક જેમ્સ કેમેરોન (James Cameron)ની તે ભૂતપૂર્વ પત્ની છે.

પ્રમાણમાં બહુ ઓછા બજેટમાં બનેલી “ધ હર્ટ લોકર”એ ૨૦૦૯ના વર્ષમાં રીલીઝ થયા પછીથી સતત ચર્ચામાં રહેલી ૫૫૦ મિલિયન ડોલરના ગંજાવર ખર્ચે બનેલી “અવતાર”  (Avatar) જેટલી જ નવ કેટેગરીમાં નોમિનેશન મેળવીને તેને બરાબર હંફાવી હતી, એટલું જ નહિ, શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ દિગ્દર્શક ઉપરાંત શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગ,  શ્રેષ્ઠ સાઉન્ડ એડિટિંગ,  શ્રેષ્ઠ સાઉન્ડ મિક્સિંગ અને શ્રેષ્ઠ ઓરિજિનલ સ્ક્રીનપ્લે મળીને કુલ છ ઓસ્કર જીતા લીધા, જ્યારે “અવતાર”ને શ્રેષ્ઠ આર્ટ ડિરેકશન, શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી અને શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ માટેના ત્રણ ઓસ્કરથી જ સંતોષ માનવો પડ્યો છે. એમાંય શ્રેષ્ઠ ફિલ્મની કેટેગરીમાં તો આ વખતે ૧૦ નોમિનેશન હતાં.

એક ઉત્તમ યુદ્ધ ફિલ્મ કેવી હોઇ શકે એનું “ધ હર્ટ લોકર” સુંદર ઉદાહરણ છે. જોકે ૨૦૦૮માં બની ચૂકેલી આ ફિલ્મને થિયેટર સુધી પહોંચતાં ખાસ્સો સંઘર્ષ કરવો પડ્યો.  સૌ પહેલાં તો તેની ડીવીડી બ્રાઝિલમાં રીલીઝ થઈ હતી, અને પહેલી વાર થિયેટરમાં તો તે ઇટાલીમાં રીલીઝ થઈ હતી, અને ધીમે ધીમે તેની નોંધ લેવાવા માંડતાં અંતે ૨૦૦૯માં તે અમેરિકામાં રીલીઝ થઈ શકી હતી અને એ પછી તો તે ૨૦૦૯ના વર્ષની સૌથી ચર્ચાસ્પદ ફિલ્મ બની રહી હતી.

ઇરાક પર અમેરિકાએ કરેલા અક્રમણ પછીની સ્થિતિની તેમાં વાત છે. બગદાદમાં અમેરિકન આર્મીની એક “બ્રેવો કંપની” કાર્યરત છે. તેનું કામ છે જ્યાં ક્યાંય પણ બોમ્બ મુકાયા હોવાની માહિતિ મળે ત્યાં પહોંચી જઈ બોમ્બને ડિફ્યુઝ કરવાની. પળે પળે અને ડગલે ડગલે મોત સાથે તેમનો પનારો  પડતો રહે છે. આ ટ્કડીનો સાર્જન્ટ આવા જ એક વિસ્ફોટમાં માર્યો જાય છે ત્યાંથી ફિલ્મનો પ્રારંભ થાય છે. જે નવો સાર્જન્ટ આવે છે તે વિલિયમ જેમ્સ નોખી માટીનો છે. ક્યારેક સલામતીનાં પગલાંને નેવે મૂકીને તો ક્યારેક પોતાની સૂઝથી તે જે રીતે કામ કરે છે તે તેના બે સાથીદારો માટે ખૂબ અકળાવનારું બની રહે છે. જેમ્સનું આગમન થાય છે ત્યારે આ ટુકડીની કામગીરી પૂરી થવા આડે ૩૮ દિવસ બાકી રહ્યા હોય છે. રોજેરોજ મોતને હાથતાળી આપતા રહ્યા પછી અંતે તેઓ ઘેર પરત ફરે છે.

ફિલ્મનાં અંતિમ દૃશ્યોમાં જેમ્સ પોતાના ઘરમાં તેના એકાદ વર્ષના નાના ટાબરિયાને રમાડતો રમાડતો આવું કંઈક કહે છે, “તને તારાં આ બધાં રમકડાં ગમે છે. મમ્મી ગમે છે, પપ્પા ગમે છે, પણ જ્યારે તું મોટો થઈશ ત્યારે તને આમાંની એકબે વસ્તુ જ ગમતી હશે. મને તો માત્ર એક જ ચીજ ગમે છે.”

તેને એ એક ચીજ કઈ ગમે છે તેનો ખ્યાલ ફિલ્મના અંતિમ દૃશ્યમાં આવે છે. તે ફરી પાછો બગદાદ પહોંચી ગયો છે અને બોમ્બ ડિફ્યુઝ કરવાની વધુ એક વર્ષની તેની કામગીરી શરૂ થઈ જાય છે. વિલિયમ જેમ્સની ભૂમિકાજેરેમી રેનર (Jeremy Renner)એ ભજવી છે. તેને પણ શ્રેષ્ઠ અભિનેતાનું નોમિનેશન મળ્યું હતું.

બગદાદમાં યુદ્ધ પછીની જબરદસ્ત તનાવપૂર્ણ સ્થિતિનું અતિ વાસ્તવ ચિત્રણ કરતી “ધ હર્ટ લોકર”ને સમીક્ષકોએ પણ એકી અવાજે વખાણી છે, અને કેટલાકે તો તેને દાયકાની શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન આપ્યું છે. ઓસ્કર જાહેર થયાના ઘણા સમય પહેલાં ખુદ જેમ્સ કેમેરોને કહ્યું હતું કે “ધ હર્ટ લોકર” ઇરાકી યુદ્ધની “પ્લાટૂન” છે. (૧૯૮૬માં બનેલી “પ્લાટૂન” (Platoon) અમેરિકાના વિયેતનામ સાથેના યુદ્ધને કેન્દ્રમાં બનેલી એક શ્રેષ્ઠ ફિલ્મ ગણાય છે. તેને ૮ ઓસ્કર નોમિનેશન મળ્યાં હતાં અને શ્રેષ્ઠ ફિલ્મ તથા શ્રેષ્ઠ દિગ્દર્શક સહિતના ચાર ઓસ્કર મળ્યા હતા.)

“ધ હર્ટ લોકર”ને ઓસ્કર મળ્યો છે એટલે દુનિયાભરમાં રીલીઝ થવા આડેના તેના બધા અવરોધો હવે દૂર થઈ જશે. ફિલ્મને ઓસ્કર મળ્યો તેના થોડા કલાકો પહેલાં જ તેને ઓનલાઇન જોવાની મજા કંઇક અલગ જ હતી.

Read Full Post »