Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Woman Power’

ગ્વાલિયરમાં દક્ષિણ આફ્રિકા સામે સચિને બેવડી સદી ફટકારી તેને એક સપ્તાહ કરતાં વધુ સમય થઈ ગયો છે, પણ એ સમાચાર હજી જૂના થયા નથી. હજી ટીવી પર તેના વિષેની ચર્ચાઓ ચાલી રહી છે અને સચિનને ભારતરત્ન આપવાની માંગણીઓ થઈ રહી છે. સચિનને ક્રિકેટજગતના ભગવાનથી માંડીને જે શબ્દોમાં બિરદાવાઇ રહ્યો છે, તેની સાથે ભાગ્યે જ કોઇ ભારતીય  અસહમત હોય તેવું બને, કારણ કે સચિને એવી જબરદસ્ત સિદ્ધિ હાંસલ કરી છે, પણ એક ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડીને ન્યાય ખાતર પણ એટલું તો સ્વીકારવું જ રહ્યું કે સચિન આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારો “પ્રથમ પુરુષ ખેલાડી” છે, કારણ કે આંતરરાષ્ટ્રીય વન-ડેમાં બેવડી સદી ફટકારનાર “પ્રથમ ખેલાડી” બનવાનું ગૌરવ તો ઓસ્ટ્રેલિયાની બેલિન્ડા ક્લાર્કે મેળવેલું છે.

૧૯૯૭માં ભારતમાં રમાયેલા વીમેન્સ વર્લ્ડ કપમાં મુંબઈના બાંદરા ખાતેના ગ્રાઉન્ડ પર ૧૬ ડિસેમ્બરે ડેન્માર્ક સામેની મેચમાં બેલિન્ડા ક્લાર્કે અણનમ ૨૨૯ રન કર્યા હતા. તે ૧૫૫ બોલ રમી હતી અને ૨૨ ચોગ્ગા ફટકાર્યા હતા.

આપણો દેશ તો  ક્રિકેટપ્રેમી છે, પણ મહિલા  ક્રિકેટને આપણે ત્યાં કેટલું મહત્ત્વ અપાય છે એ આપણે બધા જ જાણીએ છીએ, એટલે સામાન્ય ક્રિકેટપ્રેમી મહિલા ક્રિકેટ વિષે ખાસ કંઈ ન જાણતો હોય એ સમજી શકાય તેમ છે, પણ ખુદ સચિન પણ તેનાથી બહુ વાકેફ રહેતો હોય એવું લાગતું નથી. મુંબઈમાં એક સમારોહમાં કોઇએ જ્યારે ૧૯૯૭માં બેલિન્ડા ક્લાર્કે બેવડી સદી ફટકારી હતી તે અંગે સચિનનું ધ્યાન દોર્યું ત્યારે સચિને કહ્યું હતું કે “મેં તે વિષે સાંભળ્યું નથી, પણ જો તેણે એવું કર્યૂં હોય તો તે અદભુત કહેવાય.”

તા. ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન દુનિયાભરમાં ઊજવાશે. આ નાનકડી બ્લોગપોસ્ટ એ દિનને સમર્પિત…

Read Full Post »

“માન એશિયા લિટરરી પ્રાઈઝ” કદાચ “બુકર” જેટલું બહુ જાણીતું નથી એટલે મીડિયાનું તેના તરફ બહુ ધ્યાન ખેંચાયું લાગતું નથી. સમગ્ર એશિયામાં પ્રગટ થયેલા પણ અંગ્રેજીમાં અપ્રગટ રહેલી શ્રેષ્ઠ પાંચ કૃતિઓને આ પારિતોષિક અપાય છે. લંડન ખાતેની એક અગ્રણી ફાઈનાન્સિયલ સેવાઓ આપતી પેઢી માન ગ્રૂપ દ્વારા સ્પોન્સર્ડ આ પારિતોષિકનું સંચાલન હોંગકોંગ યુનિવર્સિટી અને ચાઇનીઝ યુનિવર્સિટી કરે છે. ૨૦૦૮ના ઓક્ટોબરમાં જાહેર થનારા આ પારિતોષિક માટે એશિયાભરમાંથી આવેલી કૃતિઓ પૈકી અંતિમ ૨૧ની પસંદગી કરાઇ છે, તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર લેખિકા છે સલમા.

સલમા આમ તો એક ઉપનામ છે. મૂળ લેખિકાએ પોતાની ઓળખ છુપાવવા આ નામે લખવું શરૂ કર્યું હતું અને આજે રુકૈયા મલિક સલમા તરીકે જ વધુ ઓળખાય છે. સલમા તમિળ લેખિકા છે. તાજેતરનાં વર્ષોમાં આધુનિક તમિળ સાહિત્યને જે કેટલીક સશક્ત કલમો મળી છે તેમાં સલમા પણ એક છે. નારીવાદી ગણાતી સલમાના ત્રણ કાવ્યસંગ્રહો, એક નવલકથા અને થોડીક ટૂંકી વાર્તાઓ પ્રગટ થયાં છે, પણ આજે સ્થિતિ એ છે કે આધુનિક તમિળ સાહિત્યની વાત કરવી હોય તો સલમાનો ઉલ્લેખ કરવો જ પડે. 

સલમાએ જે સફળતા મેળવી છે અને જે સંજોગોમાં પોતાનો માર્ગ કંડાર્યો છે તેને “સાહિત્ય થકી સ્ત્રી-સશક્તિકરણનું જીવંત ઉદાહરણ” માનવામાં આવે છે. સારું સાહિત્ય રચવા માટે હૈયાઉકલત અને કોઠાસૂઝ વધુ જરૂરી છે. એ માટે ન તો કોઇ ક્લાસ ભરવા પડે છે કે ન તો કોઇની પાસે તાલીમ લેવી પડે છે કે ન તો એ માટે ખાસ કોઈ ડિગ્રી લેવી પડે છે એનું પણ સલમા જીવતુંજાગતું ઉદાહરણ છે. 

૧૯૬૮માં તમિળનાડુના તિરુચિ પાસેના એક ગામ થુવારાંકુરુચિમાં રુઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં જન્મેલી રુકૈયા નવમા ધોરણમાં હતી ત્યારે ઉઠાડી લેવાઇ હતી કારણ કે તેનાં માતા-પિતા એવું માનતાં કે છોકરી રજસ્વલા બને તે પછી ભણવા ન જવાય. ભણવાનું બંધ થયું પણ રુકૈયાનો વાંચનનો શોખ ચાલુ રહ્યો. ભાઇ લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવી આપતો. મનમાં ઘમસાણ તો પહેલેથી જ મચેલું હતું, તેમાં વિવિધ વાચને ઓર વધારો કર્યો. પોતાની અંદર જે વલોવાતું રહેતું હતું તેને વાચા આપવા લખવાનું શરુ કર્યું. ૧૭મે વર્ષે તેણે પહેલી કવિતા લખી હતી. ૨૦મા વર્ષે પરણીને સાસરે ગઈ ત્યાં લખવા પર પ્રતિબંધ આવી ગયો.

પતિ અને સાસરિયાંના શારીરિક અને માનસિક ત્રાસ વચ્ચે પણ રુકૈયાએ લખવું ચાલુ રાખ્યું. હવે તેણે “સલમા” નામે લખવું શરૂ કર્યું. માત્ર તેની માતા જાણતી હતી કે સલમા એ જ રુકૈયા છે. એક સામયિકમાં તેના ફોટા સાથે પરિચય છપાયો ત્યારે તેના પતિને ખબર પડી કે સલમા ખરેખર કોણ છે. પહેલાં તો ભારે હોબાળો મચી ગયો પણ સમય જતાં સલમા લેખિકા છે એ સ્વીકૃત થઈ ગયું છે. ઘણાં પારિતોષિકો તેને મળી ચૂક્યાં છે. તેની કૃતિઓના અંગ્રેજી સહિત અનુવાદો થવા માંડ્યા છે. તેની તમિળ નવલકથા “ઇરાન્દામ જનમગાલિન કથાઇ” (Irandaam Jamangalin Kathai)નો લક્ષ્મી હોલ્મસ્ટ્રોમે “મિડનાઇટ ટેલ્સ” નામે અંગ્રેજી અનુવાદ કર્યો છે, જે ટૂંક સમયમાં પ્રગટ થશે.

આજે સલમા તેના ગામની પંચાયતની સરપંચ છે. તમિળનાડુ સરકારે રાજ્યના સમાજ કલ્યાણ બોર્ડના ચેરપર્સન તરીકે તેની નિયુક્તિ કરી છે. તમિળ સાહિત્યમાં ઉત્કૃષ્ઠ પ્રદાન કરવા બદલ તેને ૨૦૦૭માં એવોર્ડ આપવામાં આવ્યો હતો.તે સ્વીકારતી વખતે તેણે કહ્યું હતું, “મારાં લખાણો મોટે ભાગે મારા પોતાના અનુભવો પર આધારિત છે. પણ આ અનુભવો  મારી એકલીના નથી, પણ તે દરેક સ્ત્રીના છે.”

Read Full Post »

બૈજિંગ ઓલિમ્પિકનો આજે છેલ્લો દિવસ છે. હજારો રમતવીરોએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શિત કરીને અનેક નવા વિક્રમો સર્જ્યા છે, સાથેસાથે એવી કેટલીક વાતો પણ બહાર આવી છે જે ઘણા લોકો માટે પ્રેરક બની શકે તેમ છે. બે ઘટનાઓ મને ખાસ સ્પર્શી ગઈ છે. તેમાં એક છે મહિલાઓની ૧૦૦ મીટર દોડમાં જમૈકાને ગોલ્ડ મેડલ અપાવનાર શેલી-એન ફ્રેઝરની વાત. “મન હોય તો માળવે જવાય” એ આપણી કહેવતને શેલીએ સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે. મનમાં ધગશ હોય અને જાત પર વિશ્વાસ હોય તો કોઇ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે તે શેલીએ પુરવાર કરી આપ્યું છે. તેણે એ પણ પુરવાર કર્યું છે કે રમતગમત કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં આગળ આવવું હોય તો માણસે કયા પરિવારમાં જન્મ લીધો છે કે પરિવારની આર્થિક સ્થિતિ કેવી છે તેનું પણ કોઇ મહત્ત્વ નથી.

આ ઓલિમ્પિકમાં ભારતને પહેલો વ્યક્તિગત ગોલ્ડ મેડલ અપાવનાર અભિનવ બિન્દ્રાએ પોતે લીધેલી તાલીમ પાછળ લગભગ એક કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તે કરોડોમાં આળોટી શકે તેવા પરિવારનો છે એટલે તેને એ પોસાયું પણ ખરું, અને આમ પણ આપણે ત્યાં રમતો માટે માળખાગત સુવિધાઓનો અભાવ છે એ તો જાણીતી વાત છે. ચંદ્રકો મેળવવામાં નિષ્ફળ રહેતા આપણા રમતવીરો આ બાબતનાં રોદણાં હંમેશાં રડતા જ હોય છે, પણ જમૈકાને ગોલ્ડ મેડલ અપાવનાર શેલીની વાત કરીએ તો તેનો જન્મ જમૈકાની ઝૂંપડપટ્ટીમાં થયો હતો. બહુ નાની હતી ત્યારથી જ તે ફૂટપાથ પર લારીમાં નાનીમોટી ચીજો વેચતી અને રાત્રિ શાળામાં ભણવા જતી. પોતે ગોલ્ડ મેડલ જીતી તેનું શ્રેય તેણે કોને આપ્યું ખબર છે? નાનપણથી માતા સાથેના તનાવભર્યા સંબંધો અને પોલીસને. તેનું કારણ એ કે નાનપણમાં મા પોતાને મારવા દોડતી ત્યારે ભાગવું પડતું અને ફૂટપાથ પર લારી લઈને ઊભી હોય ને એકાએક પોલીસ આવે ત્યારે બધું સમેટીને ભાગવું પડતું. તેને કારણે નાનપણથી જ દોડવાની જે આદત પડી ગઈ હતી તે હવે કામ લાગી. રાત્રિ શાળામાં તેના શિક્ષકે તેની દોડવાની ક્ષમતા પારખી લઈને તેને વધુ તાલીમની વ્યવસ્થા કરી આપી હતી. શેલી આજે પણ જમૈકાના એક ગંદા વસવાટમાં રહે છે. ત્યાં વીજળી-પાણીની પણ પૂરતી સુવિધા નથી.

બીજો કિસ્સો પણ એક એવી ચીની યુવતીનો છે જેણે દસ મીટર એર પિસ્ટલમાં નવો વિક્રમ સ્થાપીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેવું નામ ગુઓ વેનજુન. ગોલ્ડ મેડલ જીત્યા પછી લોકોએ તેની કહાણી જાણી તો દંગ થઈ ગયા. વર્ષો પહેલાં ગુઓનાં માતા-પિતાએ છૂટાછેડા લઈ લીધા હતા. તે પિતા સાથે રહેતી હતી. નવ વર્ષ પહેલાં એક દિવસ અચાનક જ તેના પિતા ઘર છોડીને જતા રહ્યા. જતા પહેલાં ગુઓના કોચ હુઆંગ પર એક પત્ર લખતા ગયા હતા કે પોતે બહુ દૂર જઈ રહ્યા છે. ગુઓને તમારી પોતાની દીકરીની જેમ સાચવજો અને તેને પોતાનું શ્રેષ્ઠ હાંસલ કરવામાં મદદ કરજો.

પિતા પોતાને છોડીને જતા રહેતાં અત્યંત હતાશ થયેલી ગુઓએ બે વખત તો શૂટિંગને અલવિદા કરી દીધી હતી. તે એક્દમ અંતર્મુખી બની ગઈ હતી. તેમાંથી કોચે તેને બહાર કાઢી. કોચે તેને કહ્યું કે જો તું શૂટિંગ છોડીશ તો તારા પિતા જ્યાં હશે ત્યાં નિરાશ થશે. પણ જો તું ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી બતાવે તો બનવાજોગ છે કે તારા પિતા ખુશ થાય અને તને મળવા આવે.

વાત ફિલ્મી લાગે તેવી છે પણ સાવ સાચી છે. ગુઓએ ઓલિમ્પિક્માં ભાગ લીધો અને પિતાને મળવાનું એક જ ધ્યેય નજર સમક્ષ રાખીને ગોલ્ડ મેડલ જીતી પણ ખરી. ગુઓની કથની જાણ્યા પછી ચીનમાં ઇન્ટરનેટ પર તેના પિતાને શોધવાની ઝુંબેશ શરૂ થઈ છે અને લગભગ દસ હજાર લોકો તે માટે કામે લાગ્યા છે.

માણસના મનમાં જો એક ધ્યેય નિશ્ચિત થઈ જાય તો તે શું કરી શકે તેનાં આ ઉદાહરણ છે. ભારતીય ખેલાડીઓને તેમનો ધ્યેય નિશ્ચિત કરવા શેની જરૂર પડે તેમ છે એ ખબર નથી.

Read Full Post »

ફરી એક વાર વિમ્બલડન (Wimbledon)માં વિલિયમ્સ બહેનો છવાઇ ગઈ છે. છેલ્લાં આઠ વર્ષમાં બંને બહેનો વિનસ અને સેરેના એક સાથે ત્રીજી વાર ફાઈનલમાં પહોંચી છે. વિનસની આ સાતમી અને સેરેનાની ત્રીજી વિમ્બલડન ફાઇનલ છે. ગુરુવારે સેરેનાને સેમીમાં રમતી જોવા વિનસ અને તેમના પિતા રિચાર્ડ બંને પ્રેક્ષકો વચ્ચે બેઠાં હતાં, પણ શનિવારે બંને બહેનો ફાઇનલમાં ટકરાશે ત્યારે પિતા તે જોવા હાજર નહિ રહે. તેઓ અમેરિકા ઘેર પરત જતા રહ્યા હશે. તેઓ કહે છે કે “કોઇ પિતા કોઇ એક ચીજ માટે પોતાનાં બે સંતાનોને ઝઘડતાં જોઇ શકે ખરો?”

વિનસ અને સેરેના બંનેનું પ્રેરકબળ તેમના પિતા રિચાર્ડ જ છે. છેલ્લા લગભગ એક દાયકાથી બંને બહેનોએ આંતરરાષ્ટ્રીય ટેનિસમાં પ્રવેશ કર્યો છે ત્યારથી વીમેન્સ ટેનિસનું ચિત્ર બદલાઇ ગયું છે. પહેલાં નર્યું ગ્લેમર હતું તેમાં બ્લેક પાવર ભળ્યો છે. વિલિયમ્સ બહેનો વિષે ઘણું લખાતું રહ્યું છે. વિમ્બલડન સહિતની ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં બંને સામસામે હોય ત્યારે કોણ જીતશે એ તેમના પિતાએ પહેલેથી નક્કી કરી રાખ્યું હોય છે એવું પણ ઘણી વાર ચર્ચાસ્પદ બની ચૂક્યું છે. જોકે તેમના પિતા આવું કઈ હોવાનો ઇનકાર કરતા રહે છે. બંને વચ્ચે જે રીતે હારજીત થઈ છે તે પણ રિચાર્ડની વાતને જ સમર્થન આપે છે. અત્યાર સુધીમાં બે વાર વિમ્બલડન સહિત કુલ છ વાર બંને બહેનો ગ્રાન્ડ સ્લેમની ફાઇનલોમાં પહોંચી છે. તેમાં ૨૦૦૧માં યુએસ ઓપનમાં વિનસ જીતી હતી તેને બાદ કરતાં બંને વિમ્બલડન ઉપરાંત ૨૦૦૦માં ફ્રેન્ચ ઓપન, ૨૦૦૨માં યુએસ ઓપન અને ૨૦૦૩માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં સેરેનાનો વિજય થયો હતો.

વિલિયમ્સ બહેનો આ પહેલાં ૨૦૦૨ અને ૨૦૦૩માં વિમ્બલડન ફાઇનલમાં સામસામી આવી હતી અને બંને વાર સેરેનાએ વિનસને હરાવી દીધી હતી. વિનસ જોકે ૨૦૦૦, ૨૦૦૧, ૨૦૦૫ અને ૨૦૦૭ એમ ચાર વખત વિમ્બલડન જીતી ચૂકી છે, પણ ફાઇનલમાં તે હજી પોતાની બહેનને હરાવી શકી નથી. આ વખતે શું બનશે એ જોવું રસપ્રદ થઈ પડશે. ૨૦૦૨માં વિલિયમ્સ બહેનો વિમ્બલડનની ફાઇનલમાં પહેલી વાર પહોંચી હતી ત્યારે ૧૧૮ વર્ષ પહેલાંના ઇતિહાસનું પુનરાવર્તન થયું હતું. ૧૧૮ વર્ષ પહેલાં વોટસન અને લિલિયન નામની બે બહેનો વિમ્બલડન ફાઇનલ રમી હતી. એ વર્ષે ૧૯૫૭ પછી પહેલી વાર એવું બન્યું હતું કે સિગલ્સની હરીફોએ જ ડબલ્સનું ટાઇટલ જીતી લીધું હોય. વિલિયમ્સ બહેનોએ તો એ પછી ૨૦૦૩માં પણ આ સિદ્ધિ ફરી હાંસલ કરી હતી. આ વખતે પણ આ સિદ્ધિથી તેઓ થોડીક જ દૂર છે.

રિચાર્ડ અને ઓરાસિન વિલિયમ્સની પાંચ પુત્રીઓ પૈકી વિનસ (જ. તા. ૧૭ જૂન ૧૯૮૦) અને સેરેના (જ. તા. ૨૬ સપ્ટેમ્બર ૧૯૮૧) વચ્ચે સ્વભાવગત ઘણો ફરક છે. તેમના પિતા રિચાર્ડ કહે છે તેમ વિનસ ઓછાબોલી અને અંતર્મુખી છે, પણ ખુલ્લા દિલની છે, જ્યારે સેરેના બોલકી છે અને ટેનિસ કોર્ટ પર જો પોઈન્ટ ગુમાવતી હોય તો તેને રેકેટ પછાડતી અને એકલી એકલી બોલતી જોઈ શકાય. બંને બહેનોની ટેનિસમાં જ્વલંત કામયાબીએ એક સમયના સાવ ગરીબ વિલિયમ્સ પરિવારને અબજોપતિ બનાવી દીધો છે, અને હજી તેમનું બેન્ક બેલેન્સ વધી જ રહ્યું છે…

Read Full Post »

જાપાનમાં લોકપ્રિય બની ચૂકેલી બ્લોગર મીકો વિષે લખતો હતો ત્યારે જે લેખિકા સતત યાદ આવ્યા કરતી હતી તે છે બેબી હલદાર. મીકો કરતાં તેની કહાણી સાવ જુદી છે, પણ તેની સંઘર્ષગાથા કોઈ પણ દમિત અને પીડિત મહિલા માટે પ્રેરક બની રહે તેવી છે. કહાણી શરૂ થાય છે હરિયાણાના ગુડગાંવમાં રહેતા એક નિવૃત પ્રોફેસર પ્રબોધકુમારના ઘરથી. પ્રબોધકુમારનો બીજો પરિચય એ છે કે તેઓ હિંદીના સાહિત્યસ્વામી મુનશી પ્રેમચંદના પૌત્ર છે. તેમણે ઘરકામ માટે એક બાઈ રાખી. બંગાળ તરફથી આવેલી. નામ બેબી હલદાર, ૨૯ વર્ષની ઉંમર, ત્રણ બાળકોની મા. ખાસ કંઈ ભણી નહોતી, કારણ કે બાર વર્ષની હતી ત્યારે જ તેનાથી ૧૪ વર્ષ મોટા યુવાન સાથે તેનાં લગ્ન કરી દેવાયાં હતાં એટલે ભણવાનું બંધ થઇ ગયું હતું.

પ્રબોધકુમારે જોયું કે આ કામવાળી બેબી હલદાર ભલે ખાસ ભણી ન હોય, ભલે અત્યંત ગરીબીમાંથી આવી હોય, ભલે પતિનું ઘર છોડી દેવાની નોબત આવી હોય, ભલે મા-બાપે જાકારો આપ્યો એટલે દરદર ભટકતી બંગાળથી છેક હરિયાણા સુધી આવી ગઈ હોય, પણ તેને વાંચનનો શોખ છે. નવરી પડે ત્યારે પ્રોફેસરની લાયબ્રેરીમાંથી કોઈ પુસ્તક કાઢીને વાંચવા બેસી જાય.

તેનો આવો શોખ જોઈને એક દિવસ પ્રોફેસરે તેને કાગળો અને પેન આપીને કહ્યું, “તારા મનમાં જે આવે એ લખતી જા.”

પહેલાં તો તે રડી પડી. શું લખવું? બૂતકાળ તો એટલો યાતનાભર્યો હતો કે તેના પર તો પાછું વળીને એક નજર પણ નાંખી શકાય તેમ નહોતું. પણ લખવાને એક પડકાર સમજીને આ કામ હાથમાં લઈ લીધું. એક વાર કાગળ અને કલમ હાથમાં આવ્યાં એટલે અતીતનાં બધાં કમાડ ફટાફટ ખૂલવા માંડયાં. આજ દિન સુધી ભીતર જે બધું ભરી રાખ્યું હતું તે કાગળો પર ઊતરતું ગયું. પિતાના ત્રાસથી ઘર છોડી ગયેલી માની સ્મૃતિઓ, નિર્દયી પિતા તરફથી મળેલી ઉપેક્ષા, સાવકી માના અત્યાચારો, બારમે વર્ષે લગ્ન પછી દોઝખભરી જિંદગી, દારૂના નશામાં પતિએ બળાત્કાર કર્યો હતો એ ભયાનક રાત, બનેવીએ ગળું દબાવીને મારી નાખેલી બહેન, તેરમે વર્ષે પ્રથમ બાળકના જન્મ સમયનો ભય… રડતી જાય ને લખતી જાય. ઘરનાં નાનાંમોટાં તમામ કામ કરતી જાય ને વચ્ચે જરા જેટલો સમય મળે તો એટલા સમયમાં કંઈક લખી નાંખે.

જે કંઈ લખાયું તે બંગાળીમાં હતું. પ્રબોધકુમારે તેનો હિંદી અનુવાદ કર્યો. કોઈ પણ ભાષાના પુસ્તકનો પહેલાં બીજી કોઈ ભાષામાં અનુવાદ છપાય એવું પણ આ કદાચ પહેલું જ ઉદાહરણ હોઈ શકે. હિંદીમાં તે “આલો-આંધારી” (પ્રકાશ અને અંધકાર) નામે પ્રગટ થયું. બે જ મહિનામાં તેની બીજી આવૃત્તિ કરવી પડી. હવે તો બંગાળી અને અંગ્રેજીમાં પણ તે પ્રગટ થઈ ચૂકી છે. તેના પરથી ફિલ્મ બને તેવી પણ સંભાવના છે.

પોતે લેખિકા બની ગઈ છે તેની બેબી હલદારને પોતાને જ નવાઈ લાગે છે. વધુ નવાઈ તો તેને એ વાતની લાગે છે કે પોતે પોતાને આવડે એ રીતે કહેલી વાતમાં લોકોને આટલો બધો રસ કેમ પડ્યો છે!? 

Read Full Post »

૨૦૦૮ના વર્ષમાં બનેલી મહત્ત્વની સાહિત્યિક ઘટનાઓની જો યાદી બનાવવામાં આવે તો તેમાં એક ઘટનાનો ચોક્કસ ઉલ્લેખ કરવો પડે તે એ કે જાપાનમાં એક યુવા લેખિકાને ત્યાંનો એક પ્રતિષ્ઠત એવોર્ડ મળ્યો છે. સારું લખતા લેખકોને તો એવોર્ડ મળતા જ હોય છે એટલે આમાં નવી વાત શી એવો કોઈને પણ પ્રશ્ન થાય, પણ આ કિસ્સામાં નવી વાત એ છે કે એવોર્ડ મેળવનાર લેખિકાએ થોડા સમયથી જ લખવાનું શરૂ કર્યું છે, અને વધુ નવાઈભરી વાત એ છે કે આજે જાપાનમાં તે સૌથી વધુ લોકપ્રિય બ્લોગ લેખિકા છે અને બ્લોગના લેખને જ તેને લેખિકા બનાવી છે.  

તેનું નામ છે મીકો કાવાકામી (Mieko Kawakami). વાંચનાર સાથે સીધો સંવાદ સ્થાપિત કરતા હોય એવા તેની સરળ લેખનશૈલીએ તેને આજે જાપાની સાહિત્યજગતની સ્ટાર બનાવી દીધી છે. ૧૯૭૬માં ઓસાકા શહેરમાં જન્મેલી અને ત્યાં જ ઊછરેલી મીકો ઓસાકામાં બોલાતી લઢણમાં જ લખે છે. માણસના નસીબ આડેનું પાદડું ખસી જતાં જરાય વાર ન લાગે એમ કહેવામાં હવે મીકોનું પણ ઉદાહરણ આપી શકાય તેમ છે. કારણ કે એક બારમાં ગાયિકા તરીકે અને એક બુકસ્ટોરમાં સેલ્સગર્લ તરીકે કામ કરતી ૩૧ વર્ષીય મીકોને આ વર્ષે જાન્યુઆરીમાં “અકુતાગાવા એવોર્ડ” એનાયત કરાયો છે. ફિલ્મકાર અકીરા કુરોસાવાએ ૧૯૫૫ના અરસામાં જેના આધારે “રશોમોન” ફિલ્મ બનાવી હતી એ નવલકથાના લેખક રયુનોસુકે અકુતાગાવાની સ્મૃતિમાં આ પ્રતિષ્ઠત એવોર્ડ દર વર્ષે નવોદિત લેખકને આપવામાં આવે છે. 

અંગ્રેજી ભલે આખી દુનિયામાં બોલાતી ભાષા હોય, પણ સૌથી વધુ બ્લોગ જાપાની ભાષામાં લખાય છે. આ વાત માનવામાં ન આવતી હોય તો તે પૂરવાર કરતા આંકડાઓ પણ છે. જાપાનીઓઅમાં બ્લોગ ખૂબ લોકપ્રિય છે તેનો લાભ મીકોને મળ્યો છે. જે વિગતો નેટ પર ઉપલબ્ધ છે તે મુજબ ૨૦૦૩માં મીકોએ બ્લોગ લખવા શરૂ કર્યા હતા ત્યારે તેના રોજના વાચકો બહુ થોડા હતા, પણ તે ધીમેધીમે એટલી લોકપ્રિય થતી ગઈ કે લગભગ રોજ ૧૦૦૦૦ જેટલા લોકો તેના બ્લોગ વાંચતા થઈ ગયા હતા. અને જ્યારથી તેણે એવોર્ડ મેળવ્યો છે ત્યારથી તો એ સંખ્યા અધધધ થઈ ગઈ છે.  

મીકોએ પોતાના બ્લોગ પર જે કંઈ લખ્યું છે તેનો સંગ્રહ બહાર પાડવાનું કામ જ કર્યું છે. પોતે ગાયિકા છે એટલે સંગીતથી માંડીને વિવિધ વિષયો પર તે લખતી હોય છે, પણ ખાસ કરીને રોજિંદા જીવનની હાડમારીઓ, વિટંબણાઓ અને સ્ત્રીઓના પ્રશ્નો તેના બ્લોગનો વિષય બનતા હોય છે. ઘણી બધી બાબતોનું નિર્ભિકપણે નિરુપણ કરવામાં તે જરાય છોછ રાખતી નથી. તેને એવોર્ડ અપાવનાર લઘુનવલના શીર્ષક પરથી પણ તે કેવું બેબાક લખે છે તેનો ખ્યાલ આવી જશે. શીર્ષક છે “ધ બ્રેસ્ટ એન્ડ ધ એગ”. બેબાક લખાણોને કારણે તેણે રૂઢિવાદીઓની આકરી ટીકાઓનો સામનો પણ કરતા રહેવું પડે છે. તેની લોકપ્રિયતાનું એક કારણ એ પણ છે જાપાની સાહિત્યમાં સ્ત્રીઓને લગતાં જે કેટલાંક પાસાંને ખાસ કોઈ સ્પર્શ નથી કરાયો તે ભૂમિ પર તે બિન્દાસ્ત વિહરી રહી છે. “ધ બ્રેસ્ટ એન્ડ ધ એગ”માં તેણે સંબંધો અને સ્ત્રીઓના આંતર દ્બંદ્વને કેન્દ્રમાં રાખ્યું છે.

બ્લોગની તાકાત કેટલી છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.

 

 

Read Full Post »