Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Wondering’

હવે ટીવી બહુ જોવાનું થતું નથી. ટીવી પર જે કંઇ આવે છે તે બધું ખરાબ આવે છે એવું નથી, પણ જે સારું આવે છે તે શોધવા જેટલો સમય નથી. મોટા ભાગે ફિલ્મો જોવાનું બને છે, તેમ છતાં સૂતા પહેલાં ચેનલ સર્ફિંગ કરવાની ટેવ હજી છૂટી નથી. ટીવી પર ૩ જાન્યુઆરીથી એક કાર્યક્રમ શરૂ થયો છે, The First Ladies with Abu Sandeep. “દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે” એ આ કાર્યક્રમ પાછળનો મૂળ આઇડિયા છે.

અબુ જાની અને સંદીપ ખોસલા ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે બહુ જાણીતું નામ છે. દેશમાં વિવિધ ક્ષેત્રે સફળ થયેલા ૧૨ પુરુષોની સફ્ળતામાં તેમની પત્નીઓની ભૂમિકા કેવી રહી તે વાત આ ટોક-શોમાં એ ૧૨ મહિલાઓ પોતે કરશે. આ ૧૨ મહિલાઓ છે નીતા અંબાણી (મુકેશ અંબાણી), જયા બચ્ચન (અમિતાભ બચ્ચન), નીરજા બિરલા (કુમાર મંગલમ બિરલા), ગૌરી ખાન (શાહરુખ ખાન), ઉષા મિત્તલ (લક્ષ્મી મિત્તલ), સુઝાન રોશન (રિતિક રોશન),  અધુના અખ્તર (ફરહાન અખ્તર), અનુપમા ચોપરા (વિધુ વિનોદ ચોપરા), તાન્યા દેઓલ (બોબી દેઓલ),  કિરણ ખેર (અનુપમ ખેર) અને પદ્મિની દેવી (ભવાનીસિંહ).  આમ તો સફળ પુરુષની પાછળ રહેલી સ્ત્રી પત્ની પણ હોઇ શકે અને મા, બહેન, દીકરી કે મિત્ર પણ હોઇ શકે, પણ આ કાર્યક્રમમાં માત્ર પત્નીઓને સ્થાન અપાયું છે. આશા રાખીએ કે આ કાર્યક્રમની જો બીજી સીઝન બને તો પત્ની સિવાયની સ્ત્રીઓનો પણ સમાવેશ થશે અને માત્ર ફિલ્મી દુનિયા કે ઉદ્યોગ જગત સિવાયનાં ક્ષેત્રોમાં સફળ થયેલા પુરુષોની પત્નીઓનો પણ સમાવેશ થશે. આમ પણ જો પહેલી સીઝન માટે માત્ર ૧૨ પુરુષો પસંદ કરવાના હોય તો કમ સે કમ બોબી દેઓલનો તો તેમાં ન જ થાય. આ ૧૨ મહિલાઓની યાદીમાં જે એક નામ બાકી રહ્યું છે તે માન્યતા દત્ત, સંજય દત્તની વર્તમાન પત્ની. સંજય જે સંઘર્ષ કરતો રહ્યો છે, જે સહન  કરતો રહ્યો છે અને જે વિપરીત સ્થિતિમાં રહીને સફળ થતો રહ્યો છે, તેમાં માન્યતા દત્તની કોઇ ભૂમિકા હોઇ શકે ખરી?

BTW,  “દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે” એ સંદર્ભે એક પુસ્તકની વાત. તેનું શીર્ષક છે Beside Every Successful Man. લેખિકા છે પત્રકાર અને પ્રસારણ માધ્યમોની સમીક્ષક Megan Basham. આ પુસ્તકમાં મેગને કેટલીક એવી ચોંકાવનારી વાતો કરી છે જે કરિયરને મહત્ત્વ આપતી સ્ત્રીઓને કદાચ ન ગમે. તે કહે છે કે આજની સ્ત્રી કામકાજી દુનિયામાંથી બહાર નીકળવા વ્યાકુળ છે, પણ બેવડી કમાણીથી ઘર ચલાવવાની વિવશતાને કારણે તે કામ કરતા રહેવા માટે મજબૂર હોય છે.

મેગનના કહેવા મુજબ તેના દેશમાં થયેલાં મોટા ભાગનાં સર્વેક્ષણો એવું જ કહે છે કે હવે વધુ ને વધુ મહિલાઓ પોતાના જીવનનાં શ્રેષ્ઠ વર્ષો ઘર અને બાળકો માટે ઉપયોગમાં લેવા ઇચ્છે છે.  મેગન કહે છે એવું જ જો  હોય તો એક પ્રશ્ન એ ઊભો થાય કે શું સ્ત્રીઓ ભણીગણીને કંઇ કામ ન કરે? પોતાના ગ્નાન, પ્રતિભા, યોગ્યતા એ બધાનું પોટલું વાળીને અભરાઇએ ચઢાવી દે? અને જો તે એવું કરી પણ દે તો દિવસોદિવસ વધતી જતી આર્થિક જરુરિયાતોને કઈ રીતે પહોંચી વળી શકાય? જવાબમાં મેગન જે કહે છે તેની સાથે કેટલી મહિલાઓ સહમત થાય એ પ્રશ્ન છે જ. મેગન  કહે છે, “શિક્ષિત, પ્રતિભાસંપન્ન અને દક્ષ મહિલાઓ માટે બેહતર વિકલ્પ એ જ છે કે તે પોતાની યોગ્યતાઓનો ઉપયોગ પોતાના પતિના કરિયરના  ઉત્કર્ષ માટે કરે. એવું કરવાથી ન તો તેની યોગ્યતાઓ બિનઉપયોગી રહેશે કે ન તો તેમને કંઇ ન કરતા રહેવાનો અફસોસ રહેશે. કામના મોરચા પર પતિની સફળતામાં સહયોગી બનીને સ્ત્રી કંઇ પણ ખોયા વિના બધું જ પ્રાપ્ત કરી શકે છે. આજની સ્ત્રીને મેગન સલાહ આપે છે કે તે સિંગલ સ્ટાર બની રહેવાને બદલે મજબૂત ટીમની સભ્ય બને. અને આ જ કારણે તેમણે પુસ્તકના શીર્ષકમાં Behind ને બદલે Beside શબ્દનો ઉપયોગ કર્યો છે…

Read Full Post »

હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ “વોન્ટેડ” (Wanted) જોઇ. Matrix જેવી આ અડધીપડધી સાયન્સ ફિક્શન ફિલ્મમાં એન્જેલિના જોલી, જેમ્સ મેકેવોય અને મોર્ગન ફ્રીમેન જેવાં કલાકારો છે અને દિગ્દર્શન મૂળ રશિયન દિગ્દર્શક Tim Bekmambetov એ કર્યું છે. એક સામાન્ય કારકુન જેવી નોકરી કરતા યુવાનને ખબર પડે છે કે થોડા સમય પહેલાં હત્યાનો ભોગ બનેલા તેના પિતા અસામાન્ય કૌશલ્ય ધરાવતા હત્યારા હતા અને પોતે પણ તેમના જેવી જ અસામાન્ય શક્તિઓ ધરાવે છે. આમાંની એક શક્તિ એવી છે કે તે બંદૂકમાંથી છૂટતી ગોળીની ગતિને પકડી શકે છે. બંદૂકમાંથી છૂટેલી ગોળી તેને માટે સ્લો-મોશનનો ખેલ છે.

Wanted જોતાંજોતાં એકાએક યાદ આવ્યું કે થોડાં વર્ષો પહેલાં “જનસતા” દૈનિકમાં “જિજ્ઞાસા અને કૌતૂક” નામની કોલમ હું લખતો. પહેલાં તે “રંગતરંગ” પાક્ષિકમાં પ્રગટ થતી. બાળકો અને કિશોરો માટેની એ કોલમમાં સમયની એક સેકન્ડને એક હજારમા ભાગમાં માપવાની વાત હતી. થોડી શોધખોળ પછી સદનસીબે એ લેખની મૂળ પ્રત મળી આવી. લેખનું શીર્ષક હતું “ધીમી ગતિવાળા જગતમાં જઈ ચઢીએ તો શું થાય તે જાણો છો?” તેમાંની થોડી વિગતો મુજબ જો આપણે સેકન્ડનો એક હજારમો ભાગ અનુભવગત કરી શકીએ તો કોઇ પક્ષી પાંખ ફફડાવતું હોય એ રીતે મચ્છરની પાંખનું હલનચલન જોઇ શકીએ. ટીવી પર એક્શન રિપ્લે કે ફિલ્મમાં સ્લો મોશનની જેમ અપણી આસપાસ બનતી ઘટનાઓને જોઇ શકીએ. વાસ્તવિક જીવનમાં આપણે દરેક ક્રિયાને સમયની સામાન્ય ગતિમાં બનતી નિહાળીએ છીએ. સમયની આ ગતિને જેટલી ઓછી ઝડપે આપણે પામી શકીએ તેટલી કોઈ પણ ક્રિયાને ધીમી ગતિએ બનતી નિહાળી શકીએ. જો ખરેખર એવું બને તો બહુ રમૂજી અને વિકટ સ્થિતિ ઊભી થાય.

“ટાઇમ મશીન” (Time Machine)ના સર્જક એચ. જી. વેલ્સ (H. G. Wells)ની એક વિજ્ઞાનકથામાં બે યુવાનો ભૂલથી એક દવા પી જાય છે. તેની તેમના પર એવી અસર થાય છે કે તેમને દરેક ક્રિયા ધીમી ગતિએ થતી દેખાય છે. જેમ કે હવાને કારણે સામાન્ય સંજોગોમાં બારીનો પડદો ફરફરતો હોય, પણ ધીમી ગતિવાળા જગતમાં હવા આવે, પડદા સાથે અથડાય, પડદો પણ જાણે તેને કોઇ ઉતાવળ ન હોય તેમ, તેનો એક છેડો નિરાંતે ઊંચો થાય, ઊંચો થયા પછી એ જ સ્થિતિમાં થોડી વાર સ્થિર રહે, પછી ધીમે ધીમે નીચો આવે. હાથમાંથી કાચનો ગ્લાસ છટકી જાય, તો તરત નીચે પડીને ભુક્કો થવાને બદલે ધીમે ધીમે નીચે જતો, જમીનને અથડાતો અને ટુકડાઓમાં વેરાતો જોઇ શકાય. આવું તો દરેકે દરેક ક્રિયા વિષે કલ્પી શકાય.

વાસ્તવિક જીવનમાં એક સેકન્ડ કે પછી આંખનો પલકારો આપણા માટે સમયનો નાનામાં નાનો એકમ હોઇ શકે, ત્યારે પ્રશ્ન એ થાય કે સેકન્ડનો એક હજારમો ભાગ માપી શકાય ખરો? તેનો જવાબ એ છે કે સેકન્ડનો એક હજારમો નહિ, પણ દસ હજારમો ભાગ વીસમી સદીના આરંભે જ માપી શકાતો હતો. આજે તો આધુનિક સાધનોની મદદથી સેકન્ડનો એકસો અબજમો ભાગ પણ માપી શકાય છે. તે કેટલો સૂક્ષ્મ હોય તે સમજવું હોય તો કહી શકાય કે ત્રણ હજાર વર્ષની સરખામણીમાં એક સેકન્ડ જેટલી તેની સૂક્ષ્મતા હોઈ શકે.

ફિલ્મ “વોન્ટેડ”ના સંદર્ભમાં જોઈએ તો બંદૂકમાંથી ગોળી છૂટે એટલે સામાન્ય માણસ તો ગોળી છૂટવાનો અવાજ સાંભળી શકે અને નાળચામાંથી નીકળતો ધુમાડો જોઈ શકે, પણ ગોળીને જતી જોઇ શકે નહિ, કારણ કે ગોળીની એટલી ઝડપ હોય, પણ સમયને જો કોઇ વધુમાં વધુ નાના એકમમાં પામી શકે તો તેની નજરથી ગોળી અળગી થઈ શકે નહિ, પણ ઇશ્વરનો આભાર કે આવું બધું વિજ્ઞાનકથાઓમાં કે ફિલ્મોમાં જ બની શકે છે…

એક રસપ્રદ યોગાનુયોગ એ થયો કે “જનસત્તા”માં આ લેખ બરાબર ૧૯૯૩ની ૧૨ સપ્ટેમ્બરે રવિવારની સાપ્તાહિક પૂર્તિમાં પ્રગટ થયો હતો.

Read Full Post »

મારા મિત્ર દિનકર ભટ્ટે જગતની એક અજાયબી તાજમહાલ વિષે બ્લોગ લખ્યો છે. તેના શીર્ષકમાં જ પ્રશ્ન કર્યો છે કે “અજાયબી સાત જ કેમ?” આવો પ્રશ્ન બીજા ઘણાને થવો સ્વાભાવિક છે, પણ તેનો જવાબ એટલો જ હોઈ શકે કે સાતનો આંકડો દુનિયાભરની સંસ્કૃતિઓમાં શુભ અને પવિત્ર મનાય છે અને તેનું વિશિષ્ટ મહત્ત્વ છે. સાત જનમના ફેરા, સપ્તપદીના સાત ફેરા, સપ્તાહના વાર સાત, સપ્તર્ષિના રુષિ સાત… આમ સાતનો મહિમા અપરંપાર છે.

ભારતીય સંસ્કૃતિમાં તો સાતને અપાર મહત્ત્વ મળેલું જ છે, બીજા કેટલાક દેશોમાં પણ એવું જ છે. જાપાનમાં સારા નસીબ માટે સાત દેવતાઓને યાદ કરાય છે. કહે છે કે આ સાત દેવતા ચીનમાંથી જાપાન પહોંચ્યા હતા અને ચીનમાં ભારતમાંથી ગયા હતા. ભારતની જેમ ચીનમાં પણ દેવીદેવતાઓ અસંખ્ય છે, પણ આપણા સાત રુષિઓની જેમ ચીનમાં પણ સાત રુષિઓ છે. ગ્રીસ પોતાના સાત વિદ્વાનોને સાત રુષિઓ જેટલું મહત્ત્વ આપે છે. બીજા દેશોમાં પણ સાતને કોઇ ને કોઇ રીતે મહત્ત્વ મળેલું જ છે.

પ્રશ્ન એ છે કે શા માટે સાતનો અંક, બીજો કોઇ અંક કેમ નહિ? સાતનો અંક પવિત્ર છે અને શુભ ચીજો સાથે સંબંધ ધરાવે છે એવું ઇસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ખ્યાતનામ ગણિતશાસ્ત્રી પાયથાગોરસે પ્રતિપાદિત કર્યું હતું. એવું માનવામાં આવે છે કે સાત પૂર્ણ સંખ્યા છે અને તેમાં ત્રણ અને ચાર પૂર્ણ સંખ્યાઓ છે. તે ત્રિકોણ અને ચતુષ્કોણનું પ્રતિનિધિત્વ કરે છે.  ધર્મ અને કળામાં સાતનો અનેક રીતે ઉપયોગ થયો છે. મધ્યકાલીન વિદ્વાનોએ રોજ કરાતાં સાત પાપોને માન્યતા આપેલી છે. આ સાત પાપ છે – કામ, ક્રોધ, મદ, ઇર્ષ્યા, પ્રમાદ, લોભ અને કુભક્ષણ જેમાં મદીરાપાન પણ સામેલ છે. ભારતના મહાબલીપુરમમાં પિરામિડ આકારનાં સાત મંદિર છે. શેક્સપિયરે મનુષ્યની સાત પ્રકારની આયુમાં ભેદ પ્રદર્શિત કર્યો છે. શિક્ષણ પ્રણાલીમાં સ્વતંત્ર રૂપે સાત કળાઓ હોય છે.

પ્રાચીન સમયમાં પહેલી વાર જ્યારે કોઇએ માનવનિર્મિત અજાયબીઓની યાદી તૈયાર કરી ત્યારે સાતનો આંકડો પસંદ કર્યો. વાસ્તુકળાની કોઇ અનુપમ કૃતિને કેમ અને કઈ રીતે અજાયબી માની લેવાંમાં આવી એ કોઈ જાણતું નથી, પણ ઇતિહાસમાંથી મળતા ઉલ્લેખ મુજબ પ્રાચીન વિશ્વની સાત અજાયબીઓની પહેલી યાદીમાં જેનો સમાવેશ થયો હતો તે તમામ અજાયબી ભૂમધ્ય સાગરના પૂર્વોત્તર વિસ્તારમાં હતી. તે પછી સમયાંતરે આ યાદીમાં સુધારાવધારા થતા રહ્યા અને છેલ્લે દુનિયાએ જોયું કે એસએમએસ દ્વારા વોટિંગ કરાવીને સાત અજાયબીની યાદી તૈયાર થઈ.

સાતના અંકનો મહિમા અહીં પૂરો નથી થઈ જતો. એ તો અપરંપાર છે. મને સાતના અંક પ્રત્યે લગાવનું કારણ એ છે કે ૭ જુલાઇ મારો જન્મદિવસ છે…

આ પોસ્ટ સાથેનું ચિત્ર વર્ડપ્રેસના એક બ્લોગ પરથી જ મળ્યું છે.

Read Full Post »

રજનીકાન્તની બહુ ફિલ્મો મેં જોઈ નથી. યાદ કરવા બેસું તો એક માત્ર અમિતાભ સાથેની “હમ” યાદ આવે. જે ફિલ્મોથી રજનીકાન્ત મશહૂર છે તે “બાબા”, “ચંદ્રમુખી”, “શિવાજી” વગેરે તો જોવા મળે ત્યારે ખરી. તેની કેટલીક ફિલ્મો વિષે તો જોક્સ પ્રચલિત છે અને સાંભળ્યું છે કે એ ફિલ્મો જોવા જતી વખતે મગજ ઘેર રાખીને જ જવું પડે.

તેમ છતાં મને તે ગમે છે, અને ખરું કહું તો અભિનેતા રજનીકાન્ત કરતાં રજનીકાન્ત નામનો માણસ જ વધારે ગમે છે. બીજા અભિનેતાઓની મને ખબર નથી, પણ રજનીકાન્ત એક એવો અભિનેતા છે કે જે પડદા પર ન હોય ત્યારે અભિનેતાનો નકાબ ઉતારી નાંખીને માણસ બની જાય છે. બાકી, મોટા ભાગે અભિનેતાઓ અને અભિનેત્રીઓને પણ પોતાની ગ્લેમરસ ઇમેજની એટલી ચિંતા હોય છે કે ઓફસ્ક્રીન હોય ત્યારે પણ કલાકારનો અંચળો ઉતારી શકતા હોતા નથી. પણ રજનીકાન્ત તેમાં અપવાદ છે. આગામી ડિસેમ્બરમાં ૫૯ વર્ષ પૂરાં કરનાર આ અભિનેતાને માથે ટાલ પડી ગઈ છે અને જે વાળ રહ્યા છે તે પણ સફેદ ભૂખરા થઈ ગયા છે, પણ ઓફસ્ક્રીન એ કશું જ તે છુપાવતો નથી. ફિલ્મી એવોર્ડ સમારંભથી માંડીને કોઈ પણ જાહેર ફંકશનમાં તેને એ વેશમાં જ જોઇ શકાય છે.

પડદા પરની છબિ કરતાં સાવ જુદી જ એવી વાસ્તવિક છબિ લઈને લોકો વચ્ચે જવા માટે હિંમત જોઇએ. દેવ આનંદને આપણે જોઇએ જ છીએ. મને દિલીપકુમાર પણ ગમે છે, પણ આજે નેવું વર્ષે પણ તે માથે ડાઇ કરે છે. બીજા ઘણા કલાકારોના દાખલા આપી શકાય તેમ છે. જોકે નવી પેઢીના અક્ષયકુમાર અને અજય દેવગન જેવા કલાકારો હવે પડદા પરની ઇમેજની બહુ ચિંતા કરતા લાગતા નથી.

રજનીકાન્તની જ વાત કરું તો બેંગ્લોરમાં એક ગરીબ પરિવારમાં જન્મેલા રજનીકાન્તનું મૂળ નામ શિવાજી રાવ ગાયકવાડ છે. એક મામૂલી બસ કન્ડક્ટરની નોકરી કરવાની સાથે નાટકોમાં પણ કામ કરતો. તેના જોડીદાર ડ્રાઇવર રાજા બહાદુરે જ તેને ફિલ્મોમાં જવા પ્રોત્સાહિત કર્યો હતો. એ દિવસોમાં ચેન્નાઇમાં શરુ થયેલી ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાં જોડાવા તેણે શિવાજીને પાનો ચડાવ્યો, પણ શિવાજી સામે બે પ્રશ્નો હતા. એક તો તે “સરકારી” નોકરી છોડવા ઇચ્છતો નહોતો, અને બીજું, ઇન્સ્ટિટ્યુટમાં જવું હોય તો ફી ભરવાના પૈસા નહોતા. રાજા બહાદુરે તેને કહ્યું, “ફિકર ન કર. નોકરી છોડી દે. તારી બધી જવાબદારી મારા માથે.”

૧૯૭૪નું એ વર્ષ હતું. રાજાએ પોતાનું વચન નિભાવ્યું. બે વર્ષ તેણે શિવાજીનો બધો ખર્ચ ઉઠાવ્યો. તાલીમ પૂરી થતાં જ દિગદર્શક કે. બાલાચંદરે હવે રજનીકાન્ત બની ગયેલા શિવાજીને સાઇન કરી લીધો, અને પછી તો આપણે જાણીએ જ છીએ કે એક ઇતિહાસ સર્જાયો…

એક સામન્ય બસ કંડક્ટરમાંથી અત્યંત સફળ ફિલ્મ સ્ટાર બનવાની સંઘર્ષ કથાનો એક નાનકડો પાઠ આ વર્ષથી CBSEનાં ધોરણ ૬ નાં અંગ્રેજીના પાઠ્યપુસ્તક્માં સામેલ કરાયો છે. સેક્શન-૪ Dignity of Workમાં from bus conductor to Superstar નામનો આ પાઠ વિદ્યાર્થીઓ ભણશે. કોઇ સુપરસ્ટારની સંઘર્ષકથા પાઠ્યપુસ્તકનો હિસ્સો બને એવી કદાચ આ પહેલી જ ઘટના છે…

Read Full Post »

રુગ્વેદમાં કહ્યું છે : “આ નો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ” અર્થાત “સારા વિચારો સમગ્ર વિશ્વમાંથી આવવા દો”. વેદની આ વાણીનો આજે દુનિયામાં સૌથી વધુ જો કોઈ પ્રચાર કરતું હોય તો તે છે એક ચીની વિદ્વાન. તેમનું નામ છે જિ ઝિયાનલિન (Ji Xianlin) અને ઉંમર છે ૯૭ વર્ષ. હવે તો તેઓ પદ્મભૂષણ થઈ ગયા છે. સંસ્કૃત સાહિત્યમાં તેમનું જે યોગદાન છે તે માટે આ વર્ષે જ તેમને આ ખિતાબ અપાયો છે. તેમણે ભારતના પ્રાચીન ગ્રંથોનો મૂળ સંસ્કૃતમાંથી અનુવાદ કરીને ચીની કાવ્યમાં રૂપાંતરણ કર્યું છે. દુનિયાભરના લોકોના ઉમદા વિચારો એકબીજા સુધી પહોંચે એના તેઓ પ્રખર હિમાયતી છે, અને એવું દૃઢપણે માને છે કે આ કામ અનુવાદ દ્વારા જ થઈ શકે.

જિનું આખું જીવન અનુવાદ કરવામાં વીત્યું છે. ચીની ભાષામાં અનુવાદના ક્ષેત્રે તેમનું જે જબ્બર પ્રદાન છે તે બદલ ચીની સરકારે ૨૦૦૬માં તેમને લાઈફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યો હતો. એવોર્ડ સ્વીકારતી વખતે તેમણે એક મહત્ત્વની વાત કરી હતી કે “છેલ્લાં પાંચ હજાર વર્ષોથી ચીનની સંસ્કૃતિ સતત જીવંત અને સુસંપન્ન રહી છે તેનું કારણ એ છે કે આપણે અનુવાદ સાથે જોડાયેલા રહ્યા છીએ. બીજી સંસ્કૃતિઓમાંથી આવેલા અનુવાદોએ આપણા દેહમાં સદા નવા રક્તનો સંચાર કર્યો છે. અનુવાદ ખૂબ લાભદાયક છે.”

અનુવાદને લાગેવળગે છે ત્યાં સુધી જિ ઝિયાનલિનને અનુવાદો ફળ્યા છે. અનુવાદોએ જ તેમને ભારતનો પદ્મભૂષણ જેવો એવોર્ડ અપાવ્યો છે, પણ વિશ્વના અનેક મહાન સાહિત્યકારો અનુવાદ અંગે સારો અભિપ્રાય નથી ધરાવતા. અનુવાદ વિષે એમ કહી શકાય કે વહુ અને વરસાદની જેમ અનુવાદને પણ જશ નથી હોતો. ઉંમર ખૈયામની રુબાયતોનો એડવર્ડ ફિત્ઝિરાલ્ડે કરેલા અનુવાદ વિષે એવું કહેવાય છે કે તે મૂળ કરતાં પણ વધુ સારો છે. અનુવાદ મૂળ કૃતિ કરતાં વધુ સારો હોય તો તે સારો અનુવાદ કહેવાય કે કેમ એ પણ એક ચર્ચાનો મુદ્દો હોઈ શકે. બાકી અનુવાદ વિષે એક વાત તો જાણીતી જ છે કે અનુવાદ એટલે એક શીશીમાંથી બીજી શીશીમાં અત્તર નાંખવાની ક્રિયા અને આ ક્રિયા દરમ્યાન મૂળ શીશીમાં સુગંધ તો રહી જ જવાની.

કેટલાક મહાનુભાવોના અનુવાદ વિષેના વિચારો પણ જાણવા જેવા છે:

* કવિતાનો અનુવાદ કરવો એ અશક્ય છે કારણ કે તે સંગીતનો અનુવાદ કરવા સમાન છે. – વોલ્તેર

* અનુવાદમાં કવિતા ગુમ થઈ જાય છે. – રોબર્ટ ફ્રોસ્ટ

* એરિસ્ટોટલનો અનુવાદ એરિસ્ટોટલની શૈલીમાં થઈ શકે નહિ. – ગિલબર્ટ મરે

* અનુવાદ કરવો એ વધુ તો પેઈન્ટિંગની નકલ કરવા જેવું કામ છે. – બોરિસ પાસ્તરનાક

* સારા કે બહુ સારા અનુવાદમાં જે ગુમ થઈ ગયું હોય છે એ જ શ્રેષ્ઠ હોય છે. – ફ્રેડરિક વોન શ્લેગલ

* અનુવાદ એ સ્ત્રી જેવો હોય છે. જો તે સુંદર હોય તો વફાદાર નથી હોતો અને જો વફાદાર હોય તો મોટે ભાગે સુંદર નથી હોતો. – યેવગેની યેવતુશેન્કો

* કવિતાના શબ્દોની સાથોસાથ જો તેનું સંગીત પણ ન અપાયું હોય તો અનુવાદ એ અનુવાદ નથી. – જોન મિલિન્ગટન સિંજ

આ અને બીજા મહાનુભાવોના અનુવાદ વિષેના વિચારો ભલે જે હોય તે, ચીની વિદ્વાન જિ ઝિયાનલિનની ભાવના વધુ ઉમદા છે. જો અનુવાદો ન થતા હોય તો દુનિયાના ઉત્તમ સાહિત્ય સુધી પહોંચવું કઈ રીતે?

Read Full Post »

ઇ-મેઇલ, ચેટ અને એસએમએસના આજના જમાનામાં આ બધાં સંપર્ક માધ્યમોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કોઇ ચીજ હોય તો તે છે સ્માઇલી. તમારા લખાણ સાથે જે લાગણી વ્યક્ત કરવી હોય તે માટેના અલાયદાં સ્માઇલી હોય છે. આ સ્માઇલીનો વ્યાપક ઉપયોગ કરનારે પણ એવો વિચાર કદાચ ભાગ્યે જ કર્યો હશે કે સ્માઇલી કોણે ક્યારે બનાવ્યું હશે અને પ્રચલિત કર્યું હશે. પણ અરુણાભ બોઝને આવો વિચાર આવ્યો. btwના તાજા અંકમાં સ્માઇલી વિષેનો તેમનો નાનો મજેદાર લેખ છે.

Bring a Smile નામના આ લેખમાં જે કેટલીક રસપ્રદ વિગતો છે તે મુજબ સ્માઇલીનો ઓરિજિનલ ફેસ ૧૯૭૨માં બનાવાયો હતો. ૧૯૭૯માં કેવિન મેકેન્ઝીએ સ્માઇલીને પહેલી વાર ઇ-મેઇલમાં મોકલ્યું હતું. સ્માઇલીનાવ્યાપક ઉપયોગનું સૂચન પહેલી વાર ૧૯૮૨માં સ્કોટ ફાલ્હમેને કર્યું હતું અને તેણે વિવિધ લાગણીઓ વ્યક્ત કરતાં સ્માઇલીના સ્કેચ દોર્યા હતા. વિવિધ ભાવો વ્યક્ત કરતા સ્માઇલીને “ઇમોટિકોન” કહે છે. ૧૯૯૨માં ડેવિડ સેન્ડરસને દોરેલાં ઇમોટિકોન્સની ૯૩ પાનાંની એક ડિક્શનરી ઓ રેઇલી અને સેન્ડરસને પ્રગટ કરી હતી.

અરુણાભ કહે છે તેમ આપણી રોજિંદી ડિજિટલ  જિંદગીનો હિસ્સો બની ચૂકેલાં સ્માઇલીનો ઉદભવ એ રીતે થયો હતો કે કોઇએ ઓનલાઇન બુલેટિન બોર્ડ પર જે રિમાર્ક્સ મોકલ્યા છે તે ફની છે, કટાક્ષયુક્ત છે કે ખીજભર્યા છે તે કઈ રીતે જાણી શકાય તે આઇડિયાએ સ્માઇલીને જન્મ આપ્યો હતો. મજાની વાત એ છે કે સ્માઇલી આટલાં લોકપ્રિય થઈ જશે અને દુનિયાભરમાં તેનો આ રીતે ઉપયોગ થવા માંડશે એની તેના સર્જકે તો કલ્પના જ કરી નહોતી એટલે તેણે તેની પેટન્ટ જ કરાવી નહોતી એટલે તેને સ્માઇલીએ એક પાઇની પણ કમાણી કરાવી નથી. બિચારો સ્કોટ ફાલ્હમેન સ્માઇલીની લોકપ્રિયતા જોઈને માત્ર સ્માઇલ કરવા સિવાય બીજું કંઇ કરી શકે તેમ નથી.

આવું બનતું હોય છે. ખ્યાતનામ ગુજરાતી કાર્ટૂનિસ્ટ સ્વ. બંસી વર્મા “ચકોર”ની વાત કરીએ તો ચકોરે ઘણાં વર્ષો પહેલાં આભારની લાગણી વ્યક્ત કરતું એક નાનું મજાનું રેખાચિત્ર બનાવ્યું હતું. આ રેખાચિત્ર એટલું લોકપ્રિય થયું છે કે વર્ષોથી પ્રિન્ટિંગ પ્રેસો તેનો ઉપયોગ કરતાં જ રહ્યાં છે. તેની “ચકોર”ને કોઈ ક્રેડિટ પણ મળતી નથી. તેનો ઉપયોગ  કરતા લોકોને ખબર પણ નથી કે આ રેખાચિત્ર ચકોરે દોરેલું છે. 

“ચકોર” આજે હયાત નથી, પણ હયાત હતા ત્યારે તેમના આ સર્જનની લોકપ્રિયતા અંગે કોઈ ધ્યાન દોરતું ત્યારે મજાનું સ્મિત એટલે કે સ્માઇલ કરતા…

Read Full Post »

“ગાંધીજી આજે જીવતા હોત તો પરિસ્થિતિ જુદી હોત” આવું ઘણાને મોઢે ક્યારેક સાંભળવા મળતું હોય છે. “જો અને તો” પરિબળ માણસમાત્રના જીવનમાં બહુ મોટો ભાગ ભજવતું હોય છે. ૨૦૦૪ની ૨૩ ઓગસ્ટનો “આઉટલૂક” મેગેઝિનનો એક વિશેષાંક હાથમાં આવી ગયો. તેમાં “જો આવું ન થયું હોત તો…”ને કેન્દ્રમાં રાખીને લખાયેલા કેટલાક લેખો છે. તેમાંનાં કેટલાંક રસપ્રદ શીર્ષકો : ગોડસેની ગોળીથી ગાંધી બચી ગયા હોત તો…, સરદાર પટેલ ભારતના પહેલા વડાપ્રધાન બન્યા હોત તો…. આઝાદી મળતાં જ અંગ્રેજી હટાવી દેવાઇ હોત તો…, નેતાજી બોઝ ૧૯૪૭માં પરત આવી ગયા હોત તો…, આઝાદી બાદ ભારતે રશિયન નહિ, પણ અમેરિકન મોડલ અપનાવ્યું હોત તો…, ૧૯૬૨ના યુદ્ધમાં ભારતે ચીનને હરાવી દીધું હોત તો…, અનામત ન હોત તો…, ૧૯૬૬માં તાશ્કંદમાં લાલબહાદુર શાસ્ત્રીનું મોત ન થયું હોત તો…, ૧૯૭૫માં કટોકટી ન લદાઇ હોત તો…, ઇન્દિરા ગાંધી વડા પ્રધાન ન બન્યાં હોત તો…, સંજય ગાંધી વિમાન અકસ્માતમાં માર્યા ગયા ન હોત તો…, ઇન્દિરા ગાંધીની હત્યા ન થઇ હોત તો…, વાજપેયીને બદલે અડવાણી વડાપ્રધાન બન્યા હોત તો…, સંગીતની દુનિયામાં લતા મંગેશકર ન હોત તો…

આવા તો બીજા પણ કેટલાક રસપ્રદ “જો અને તો” છે, પણ આ વિશેષાંક હાથમાં આવતાં ડો. જયંત નારલિકરની એક વિગ્નાનક્થા યાદ આવી ગઇ. થોડાં વર્ષો પહેલાં “…અને ઇતિહાસ બદલાઇ ગયો” નામની આ વાર્તાનો અનુવાદ કરવાની મને તક મળી હતી. “ચાંદની”માં આ અનુવાદ પ્રગટ થયો હતો. ડો. નારલિકરની વાર્તાના કેન્દ્રમાં પણ “જો અને તો” જ છે. કોઇ એક બિંદુથી ઇતિહાસ પલટાતો હોય છે. ગોડસેએ ગાંધીજી પર કરેલો ગોળીબાર આવું એક બિંદુ હતું. એ જ રીતે પ્લાસીનું યુદ્ધ પણ આવું જ એક બિંદુ હતું. વાર્તામાં ડો. નારલિકરે એવું પ્રતિપાદિત કર્યું છે કે પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઇ હતી, તે પછીની દુનિયામાં આપણે આજે જીવીએ છીએ, પણ જો એ યુદ્ધમાં અંગ્રેજોની હાર થઇ હોત તો એ પછીની દુનિયા પણ ક્યાંક અસ્તિત્વ ધરાવતી જ હોય. જે રીતે આપણે રેડિયો કે ટીવીની ચેનલો બદલીએ છીએ, એ રીતે ક્યારેક માણસ એવી કોઇ દુનિયામાં પણ પહોંચી  જઈ શકે. વાર્તામાં ઇતિહાસનાએક પ્રોફેસર ડો. ગાયતોંડે એક વાર એક અકસ્માતનો ભોગ બને છે. તેઓ ભાનમાં આવે છે ત્યારે તેઓ જે દુનિયામાં પહોંચી ગયા છે તે પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોનો પરાજય થયો હોત તો તે પછીની દુનિયા હતી. વાર્તામાં તો એ પછી ઘણુંબધું રસપ્રદ બને છે.

બધું બરાબર ચાલતું હોય અને એકાએક કંઇક એવું બને કે બધું બદલાઇ જાય. પ્રવાહને બદલી નાંખતી આવી ઘટનાઓ માટે ડો. નારલિકરના કહેવા મુજબ વિગ્નાનનો “લો ઓફ કેટસ્ટ્રફી” કામ કરે છે. ડો. નારલિકરની વાર્તાનો અનુવાદ કર્યો હતો ત્યારે નહોતો આવ્યો એ વિચાર હવે આવે છે. આવી કોઇ એક દુનિયામાં રહેવાનું જો પસંદ કરવાનું આવે તો જીવનમાં બનેલી કઈ ઘટના પછીની દુનિયા પસંદ કરવી એ ખરેખર એક અઘરો ખેલ બની રહે…     

Read Full Post »

બ્લોગસ્પોટ પરથી મારા બ્લોગ કોઈ કારણ વગર રિમુવ થઈ ગયા તેનું દુખ હજી છે. કાર્તિકભાઈ મિસ્ત્રીએ બેક અપ લેવાનું જે સૂચન કર્યું છે અને તે માટેની જે ટેકનિકલ વિધિ આપી છે તે ઘણાને ઉપયોગી થઈ પડશે. ખાસ કરીને મારા જેવા બિન-ટેકનિકલ બ્લોગર માટે તો ખરી જ.

બ્લોગસ્પોટ પરથી મારા બ્લોગ કેમ રિમુવ થયા તેનું કારણ હેલ્પ-ગ્રૂપના એક નિષ્ણાતે એવું આપ્યું છે કે બ્લોગનો સ્પામ કે પોર્ન વગેરે માટે દૂરુપયોગ ન થાય તેનું ધ્યાન રાખવા જે રોબોટિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે આપમેળે કામ કરતી હોય છે. જેઓ ખરેખર દૂરુપયોગ કરતા હોય છે તેઓ એટલી ચાલાકીથી એ કામ કરતા હોય છે કે તેઓ છટકી ન શકે એવો પ્રયાસ કરવા જતાં નિર્દોષ બ્લોગ પણ તેની ઝપટમાં આવી જતા હોય છે.

જો આવું હોય તો પણ કંઈ ખોટું નથી, પણ જ્યારે આવો કોઈ નિર્દોષ બ્લોગર ફરિયાદ કરે ત્યારે તો તેનું બ્લોગ એકાઉન્ટ ફરીથી કામ કરતું થઈ જવું જોઈએ, પણ એવી કોઈ ફૂલપ્રૂફ વ્યવસ્થા હોય એવું લાગતું નથી. કમ સે કમ મને તો આવો જ અનુભવ થયો છે. વધુ દુખની વાત તો એ છે કે ખરેખર જે બ્લોગ રિમુવ કરી દેવાને લાયક છે, એવા કેટલાક બ્લોગ તો મેં આજે જ બ્લોગસ્પોટ પર જોયા.

આ અનુભવ પછી એટલું સમજાયું કે કાર્તિકભાઈ કહે છે તેમ બેક અપ લઈ રાખવો સારો. 

Read Full Post »

ફિલ્મ “ઓમ શાંતિ ઓમ”નું આ ગીત મને બહુ ગમે છે, પણ બહુ જલદી તે મારા એક બ્લોગનું હેડિંગ બનશે એવી તો કલ્પના જ નહિ. આવું બનવું કંઈ નવી વાત નહિ ગણાતી હોય, પણ મારા માટે તો નવી જ છે… બ્લોગસ્પોટ પર બ્લોગ લખવાવું શરૂ કર્યાની બરાબર મોજ આવવી હજી તો શરૂ થઈ હતી ત્યાં જ તા. ૯મી મેંએ એક મિત્રે ફોન કરીને કહ્યું કે તે મારા બ્લોગ હેઈજ પર ગયો પણ તે ખૂલતું નથી. એવું કઈ રીતે બને? પણ વાત સાચી હતી. હું પણ મારું બ્લોગ પેઈજ ન ખોલી શક્યો. ત્યાં એક મેસેજ હતો કે “આ બ્લોગ રિમુવ કરી દેવાયા છે.” એ પછી ઘણી ખણખોદને અંતે મને એટલી જાણ કરાઈ કે એકાદ દિવસમાં આ અંગે યોગ્ય કરવામાં આવશે.

મારી પાસેથી જાણે કંઈ છીનવી લેવાયું હોય એવું લાગ્યુ. ખરેખર નિરાશ થઈ ગયો. અંતે ધીરજ ખૂટી ગઈ. બ્લોગ લખવાનો આનંદ તો હવે જતો કરવો જ નહોતો. બ્લોગસ્પોટ પર જે બન્યું તે ભૂલીને વર્ડપ્રેસ પર આવી ગયો. દુખ એક જ વાતનું હતું કે જે બ્લોગ લખ્યા હતા તે ગયા, પણ ત્યાં તો પ્રતીક્ષાએ શોધી કાઢ્યું કે તરકશ.કોમ પર મારા બધા બ્લોગ મોજૂદ છે. આભાર તરકશ.કોમનો. બધા બ્લોગ ત્યાંથી મળ્યા એટલે અહીં મૂકી શકાયા છે… ખરેખર નિરાંત થઈ, પણ હજી એ તો સમજાયું જ નથી કે બ્લોગસ્પોટ પર જે બન્યું એ કઈ રીતે બન્યું…

Read Full Post »

મને જુઠ્ઠું બોલતા લોકો ગમતા નથી, એનો અર્થ એવો મુદ્દલ નથી કે હું કદી જુઠ્ઠું નથી બોલતો. જુઠ્ઠું બોલવાની બાબતમાં કોઈ પણ સામાન્ય માણસનું હોય છે એવું જ આપણું છે. પાછા ન પડીએ, પણ કોઈ બિનજરૂરી જુઠ્ઠું બોલે ત્યારે મજા ન આવે. આવા અનુભવો થતા રહેવા એ આજના જમાનામાં કોઈ નવી વાત ન કહેવાય અને કોઈએ તેનાથી વિચલિત પણ ન થવું જોઈએ એ પણ સાચી વાત છે, પણ છેલ્લા એક-બે દિવસમાં થયેલા અનુભવોએ વિચલિત નહિ, તો વિચારતો કરી દીધો છે.

શનિવારે બપોરે ફોન કર્યો તો ઓપરેટરે નામઠામ પૂછ્યા પછી ફરી લાઈન પર આવીને કહ્યું કે સાહેબ મીટિંગમાં છે. સાંજે ફોન કરજો. સાંજે ફોન કરવાને બદલે મંગળવારે બપોરે કર્યો તો ફરી થોડી વાર બાદ ઓપરેટરે કહ્યું, સાહેબ મીટિંગમાં છે અને થોડી વાર પછી બહારગામ જવાના છે.

ઓપરેટરના “સાહેબ” સાથે સારો સંબંધ છે. અને ફોન કોઈ ઉઘરાણી કરવા નહોતો કર્યો. તેમણે ધાર્યું હોત તો બે મિનિટ વાત કરી શક્યા હોત. તેમણે કેમ આવું કર્યું એ વિચારતાં મન ખાટું થઈ ગયું.

લોકો શા માટે જુઠ્ઠું બોલતા હશે એ પ્રશ્ન મારી જાતને પણ પૂછવો છે. જુઠ્ઠું બોલવા અંગે દુનિયાના ડાહ્યા લોકો શું કહે છે તે જોવા પ્રયાસ કર્યો તો જે મળ્યું તે આ રહ્યું :

* ખોટું બોલનારા લોકો હંમેશાં શપથ લેવા તૈયાર હોય છે. — વિટ્ટોરિયો આલ્ફેરી

* સત્ય તો કોઈ મૂરખ પણ બોલી શકે, પણ જુઠ્ઠું સારી રીતે કેમ બોલવું એ માટે તો માણસમાં થોડી અક્કલ જોઈએ. — સેમ્યુઅલ બટલર

* જુઠ્ઠાણું એ જીવનની શરત છે. — ફ્રેડરિક નિત્શે

* જ્યોર્જ વોશિંગ્ટન કરતાં મારા સિદ્ધાંતોનું સ્તર ખૂબ ઊંચું છે. તેઓ જુઠ્ઠું બોલી શક્તા નથી, હું બોલી શકું છું, પણ બોલીશ નહિ. — માર્ક ટ્વેઈન

* એક જૂઠ પૃથ્વીના છ આંટા મારી લે ત્યારે સત્ય હજી પાટલૂન ચઢાવતું હોય છે. — માર્ક ટ્વેઈન

* કોઈ માણસમાં એટલી બધી યાદશક્તિ નથી હોતી કે તે સફળ જુઠ્ઠો બની શકે. — અબ્રાહમ લિંકન

* જુઠ્ઠાણાં વિના માનવજાત હતાશા અને કંટાળાથી ખતમ થઈ જાય. — અનાતોલે ફ્રાન્સ

* હેતુ સહિતનું જૂઠ સૌથી વધુ ખરાબ, પણ સૌથી વધુ ફાયદાકારક હોય છે. — ફિન્લે પીટર

* જુઠ્ઠું બોલવું એ બાળક માટે કુટેવ, પ્રેમી માટે કળા, અપરણિત માટે આશીર્વાદ અને પરણેલા માટે સ્વાભાવિક હોય છે. — હેલન રોલેન્ડ

* જો કોઈએ જુઠ્ઠા તરીકે ઓળખાવું હોય તો તેણે એ માટે પૂરતા પ્રયાસ કરવા જોઈએ. — એ. એ. મિલ્ને

* બોલવું જ ન પડે તેમ હોય તો જુઠ્ઠું ન બોલશો. — લિયો ઝિલાર્ડ

* જો તમારે જુઠ્ઠું બોલવું હોય તો તેનું રિહર્સલ કરી લેજો. જો એ તમને પોતાને જ ગળે ઊતરતું ન હોય તો તે બીજાને ગળે પણ નહિ ઊતરે. — લેરોય “સેચલ” પેઈજ

* જૂઠનો પીછો ન કરશો. તેને એકલું રહેવા દો. તે જાતે જ મૃત્યુ પામશે. — લિમેન બીચર

* એક કહેવત છે : “બાળકો અને મૂરખાઓ હંમેશાં સાચું બોલે છે.” તેનો સાર એ જ કે “મોટેરાંઓ અને ડાહ્યાઓ કદી તે બોલતા નથી.” — માર્ક ટ્વેઈન

* લોકો શિકાર કર્યા પછી, યુદ્ધના સમય દરમ્યાન અને ચૂંટણી પહેલાં બોલતા હોય છે એટલું જુઠ્ઠું કદી નથી બોલતા. — બિસ્માર્ક

Read Full Post »