Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Mumbai-Goa Highway’

 

ચારેકોર સહ્યાદ્રી પર્વતમાળાના ઉતારચઢાવ વચ્ચે મોટરમાર્ગે અમે ગણપતિપુલે (Ganpati pule) તરફ આગળ વધી રહ્યાં હતાં. વિક્રમ સંવતના નવા વર્ષની સવાર પનવેલમાં મિત્ર દિનકર ભટ્ટના ઘેર પડી હતી અને બપોર પછી ગણપતિપુલેમાં પગ મૂકવાનો હતો. પનવેલથી નીકળીને જેવા મુંબઈ-ગોવા હાઇવે પર આવ્યાં કે થોડી જ વારમાં બંને તરફ સુંદર હરિયાળીથી ચિત્ત પ્રસન્ન રહ્યું. રત્નાગિરિથી થોડે દૂર હતાં, ત્યાં જ ગણપતિપુલે તરફ જવાનો રસ્તો ફંટાયો. હજી તે ૩૫ કિલોમીટર જેટલું દૂર હતું, પણ અમે – હું, ચંદ્રિકા, દિનકર અને હર્ષાબહેન – ઝટ દરિયો જોવા તલપાપડ હતાં. પોરબંદરમાં જન્મ એટલે દરિયાની આમ કંઇ નવાઇ નહિ, પણ ગણપતિપુલેમાં સુંદર બીચ છે, એ વાંચ્યું હતું અને દિનકર પાસેથી તેનાં ભરપૂર વખાણ સાંભળ્યાં હતાં, એટલે આતુરતા હોવી સ્વાભાવિક હતું.

 

કાર આગળ ધપતી જતી હતી, પણ ચારેકોર પહાડો અડીખમ હતા. ગણપતિપુલેનો દરિયો નજીક આવતો જતો હતો, પણ પહાડો હટવાનું નામ લેતા નહોતા.તેને કારણે જ ગણપતિપુલે પાંચેક કિલોમીટર દૂર હતું ત્યારે મારી ધીરજ ખૂટી ગઈ. દિનકરને પૂછ્યું ય ખરું, “આમાં દરિયો ક્યાં જોવા મળવાનો?”

“તું જો તો ખરો…” કહેતાં તે કાર હંકારતો રહ્યો, પણ થોડી વારમાં જ બોલ્યો, “હવે જો…” તે સાથે જ કાર એક ઢાળ ઊતરી ને સામે જ દરિયાની ઝલક જોવા મળી ગઈ. પછી તો કાર આગળ વધતી રહી તેમ એ ઝલક વિસ્તરતી ગઈ અને પછી તો ગણપતિપુલેનો દરિયો તેની અનોખી છટા સાથે અમારી સામે હતો.

 

મહારાષ્ટ્રની કોંકણપટ્ટી આમેય રમણીય હરિયાળો પ્રદેશ છે. એ મનોરમ્ય હરિયાળી સાથે શાંત દરિયાનાં નીલરંગી જળનો સમન્વય થાય પછી પૂછવું જ શું? દિલમાં બત્રીસે કોઠે દીવા પ્રગટી ગયા. નવા વર્ષની આવી સુંદર શરૂઆત જીવનમાં બહુ ઓછી વખત કરવા મળી છે.

ગણપતિપુલે શબ્દમાં ગણપતિનો અર્થ તો સ્વયંસ્પષ્ટ છે, પણ મરાઠીમાં પુલેનો અર્થ થાય “રેતીના ઢગલા”. કહે છે કે દરિયાની રેતી પર સ્વયંભૂ પ્રગટેલા ગણપતિ બેઠા છે એટલે તે “ગણપતિપુલે” કહેવાયા અને અહીં વસેલું નાનું ગામ પણ એ જ નામે ઓળખાયું. જે વિગતો પ્રાપ્ત છે તે મુજબ આ ગણપતિ લગભગ ચાર હજાર વર્ષથી અહીં બિરાજે છે અને શ્રદ્ધાળુઓમાં તેનું ભારે માહાત્મ્ય છે. અહીં મહારાષ્ટ્ર ટૂરિઝમે રહેવાની ખૂબ સુંદર સુવિધા ઊભી કરી છે. બીજી પણ ઘણી નાનીમોટી હોટલો છે. હજી આ પ્રવાસધામ બહુ જાણીતું નથી થયું એટલે બીચની સ્વચ્છતા જળવાઇ રહી છે. 

 

ગણપતિપુલેની મનોહર બીચની વાત કરીએ તો તેનું સૌંદર્ય બેમિસાલ છે. મોંસૂઝણું, વહેલી પરોઢ, સૂર્યોદય અને સૂર્યાસ્ત તથા એ બંને વચ્ચે અવનવી છટા બદલતા રહેતા દરિયાલાલના કયા રૂપનાં કયા શબ્દોમાં વખાણ કરવાં? અને સાંજ પડ્યા પછી ધીમેધીમે રાતનાં અંધારાં ઊતરી આવ્યા પછી તારામઢ્યું આકાશ પણ થોડું નીચું ઊતરી આવ્યું હોય ત્યારે નજરે પડે માત્ર આછો ઘૂઘવાટ અને કિનારે આવી આવીને વિખરાતાં રહેતાં મોજાંની સફેદી.    

અહીં આસપાસમાં કંઇક જોવા જેવું છે, પણ અમારે તો બસ દરિયાની જ મજા લેવી હતી, અને બે દિવસ ભરપૂર એ મજા લીધા પછી ફરી પાછા રૂટિનમાં આવ્યા વિના છૂટકો નહોતો, પણ વિક્રમનું આ નવું વર્ષ હંમેશ માટે યાદગાર બની રહે એવો અનુભવ ગણપતિપુલેએ કરાવી દીધો…

Read Full Post »