Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘World War 2’

કોઇ ફિલ્મ સમીક્ષકે સાચું જ કહ્યું છે કે પડદા પર નિર્ઘૃણ હિંસા અને લોહી દેખાડવાની જે ભૂખ ક્વેન્ટિન ટેરેન્ટિનો (Quetin Tarrantino)માં છે એ ભાગ્યે જ કોઇ બીજા દિગ્દર્શકમાં જોવા મળે. “રિઝર્વોઇર ડોગ્સ”થી લઈને “કિલ બિલ” સહિતની તેની બાકીની ફિલ્મો અને હવે “ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ” તેનું ઉદાહરણ છે. ક્વેન્ટિન ટેરેન્ટિનો કંપાવી દે તેવી હિંસાના દૃશ્યને પણ પ્રતીકાત્મક રીતે બતાવવામાં નથી માનતો. તે સ્પષ્ટપણે એવું માને છે કે જો માથું ધડથી અલગ કરવાનું દૃશ્ય હોય તો તે પડદા પર દેખાડવું જ જોઇએ. જેઓ ટેરેન્ટિનોની ફિલ્મોથી પરિચિત છે તેમને ખબર જ છે કે હિંસાને પડદા પર વધુ ને વધુ પ્રભાવક રીતે નિરૂપવામાં આ ફિલ્મકાર બેજોડ છે.

ક્વેન્ટિન ટેરેન્ટિનોની ફિલ્મો જોયા પછી એ ગમી કે નહિ એ જવાબ તરત આપી દેવો સહેલું નથી હોતું.  “ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ” જોયા પછી એવું જ બન્યું, પણ ટેરેન્ટિનોની ફિલ્મો સાથે હંમેશ બને છે તેમ તેની ફિલ્મો ધીમેધીમે તમારા પર સવાર થવા માંડે.

“ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ” (Inglorious Bastards)માં બીજા વિશ્વયુદ્ધની એક કાલ્પનિક ઘટના છે. અગાઉ “ધ ગન્સ ઓફ નેવેરોન”થી માંડીને “વ્હેર ઇગલ્સ ડેર” સહિતની ઘણી કાલ્પનિક કથાઓ પરથી સુંદર યુદ્ધ ફિલ્મો બની ચૂકી છે, પણ જો ટેરેન્ટિનો  જો કોઇ કાલ્પનિક કથાનક હાથમાં લે તો કેવી ફિલ્મ બને એ “ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ” જોઇને જ ખ્યાલ આવે. અહીં ડ્રામા પણ છે, સારું એવું ટેન્શન ઊભું કર્યા પછી હળવાશમાં લઈ જતી ક્ષણો પણ છે, અને ટેરેન્ટિનો શૈલીની હિંસા સાથે મુખ્ય ત્રણ પાત્રો બ્રેડ પિટ (Brad Pitt), મેલેની લોરેન્ટ (Melanie Laurent) અને ક્રિસ્ટોફર વોલ્ત્ઝ ( Christoph Waltz)નો સુંદર અભિનય પણ છે. નાઝી અધિકારીની ભૂમિકામાં ક્રિસ્ટોફર વોલ્ત્ઝ તો ઓસ્કર નોમિનેશન મેળવી શકે એ કક્ષાનું કામ છે. નાઝી અધિકારીઓ કઈ હદે ક્રૂર અને બદમાશ હતા એનું ચિત્રણ ટેરેન્ટિનોએ વોલ્ત્ઝના પાત્ર દ્વારા પ્રભાવક રીતે કર્યું છે અને રસપ્રદ વાત એ છે કે કોઇ નાઝી અધિકારીના પાત્રનો વિકાસ થવા માટે કોઇ દિગદર્શકે આટલો સમય ફાળવ્યો હોય એવા દાખલા બહુ ઓછા હશે.

નાઝીઓએ ફ્રાન્સ પર કબજો કર્યા પછી “જ્યુ હન્ટર” તરીકે કુખ્યાત નાઝી અધિકારી એક ગામમાં એક ખેડૂતના ઘરમાં સંતાયેલા એક યહૂદી પરિવારનો ખાતમો બોલાવે છે ત્યારે તેની એક દીકરી શોસાના ભાગી જવામાં સફળ થાય છે. તે સમય જતાં પેરિસમાં એક થિયેટરની માલિક બને છે. યુદ્ધની એક ઘટનામાં ૩૦૦ અમેરિકન સૈનિકોનો ખાતમો બોલાવનાર એક જર્મન સૈનિકને હીરો ચીતરતી ફિલ્મ “નેશન્સ પ્રાઇડ”નો પ્રિમિયર આ થિયેટરમાં યોજવાનું નક્કી થાય છે. તેમાં હિટલર સહિત તમામ ટોચના નાઝીઓ  હાજર રહેવાના છે. એ બધા થિયેટરમાં હોય ત્યારે થિયેટરને આગ ચાંપી દઈ તમામને જીવતા ભૂંજી દઈ બદલો લેવાનો શોસાના પ્લાન બનાવે છે.

બીજી બાજુ અમેરિકન લશ્કરમાં રહેલા કેટલાક યહૂદીઓની ટોળી બ્રેડ પિટના નેતૃત્વમાં ફ્રાન્સ પહોંચે છે. તેમનો ધ્યેય એક જ છે, નાઝીઓને પકડી પકડીને ખતમ કરી નાખવા. તેઓ જે આતંક ફેલાવે છે તેને કારણે આ ગેંગ “બાસ્ટર્ડ્સ” તરીકે જાણીતી બની જાય છે. તેમને જ્યારે ખબર પડે છે કે એક થિયેટરમાં યોજાનારા ફિલ્મ પ્રિમિયરમાં ટોચના નાઝીઓ  હાજર રહેવાના છે ત્યારે તેઓ પણ આત્મઘાતી બોમ્બરો બનીને ત્યાં પહોંચી જાય છે. શોસાના અને બાસ્ટર્ડ ગેંગે કરેલા પ્લાનથી એક્બીજા વાકેફ નથી કારણ કે તેમની કદી મુલાકાત જ થઈ નથી. બંને પોતપોતાના પ્લાન અમલમાં મૂકે તે પહેલાં કેટલીક અણધારી ઘટનાઓ બને છે. ફિલ્મનો અંત એક ફિલ્મકારની પોતાની કલ્પના મુજબનો છે. ઇતિહાસમાં શું બન્યું છે એને તેઓ અનુસર્યા નથી.

ખ્યાતનામ ફિલ્મસમીક્ષક રોજર એબર્ટે (Roger Ebert) ખરું જ કહ્યું છે કે ટોરેન્ટિનોની ફિલ્મ એક વખત જોઈને કદી સંતોષ ન થાય.

Read Full Post »

 

બિરકેનકોફ પર...

બિરકેનકોફ પર...

સ્ટુટગાર્ટની પશ્ચિમે આવેલી પહાડી બિરકેનકોફ જવાનાં બે પ્રયોજન હોઇ શકે. એક તો લગભગ ૫૧૧ મીટરની ઊંચાઇ પરથી સ્ટુટગાર્ટ અને તેની આસપાસના અપાર કુદરતી સૌંદર્યને માણવાની અને બીજું, આ પહાડી પર ખડકાયેલી બીજા વિશ્વયુદ્ધ વખતના વિનાશની સ્મૃતિઓ નિહાળવાનું. સ્ટુટગાર્ટના કુદરતી સૌંદર્યને તો છેલ્લા પંદર દિવસથી મનભરીને માણીએ જ છીએ એટલે અમારે મન બીજા વિશ્વયુદ્ધ સાથે સંકળાયેલી સ્મૃતિઓ નિહાળવાનું વિશેષ મહત્ત્વ હતું. આમ પણ અત્યંત એકાંત ઇચ્છતાં યુગલોને બાદ કરતાં આ પહાડી પર ચઢતાં પ્રવાસીઓ મોટા ભાગે આ સ્મૃતિઓ જોવાના હેતુથી જ આવતાં હોય છે.

બિરકેનકોફનું બસસ્ટેન્ડ ખાસ્સા ઊંચાણ પર આવેલું છે, પણ પહાડી ચઢવા માટે લગભગ ચારેક કિલોમીટર ચાલવું પડે. ટોચે પહોંચીએ એટલે એક બાજુ પહાડી પરથી ચારેકોર અફાટ ફેલાયેલી હરિયાળી મનને પ્રફુલ્લિત કરી દે, પણ પહાડી પર ખડકાયેલો કાટમાળ મનને ગ્લાનિથી ભરી દે. બીજા વિશ્વયુદ્ધની વિભીષિકાનો દસ્તાવેજ જાણે અહીં જીવંત થઈ ઊઠે છે.

DSC01843 

આખા યુરોપને તહસનહસ કરી નાંખનારા બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના આ નાનકડા શહેર પર ૫૩ જેટલા હવાઇ હુમલા થયા હતા, જેને કારણે અનેક બિલ્ડિંગો ધરાશાયી થયાં હતાં. યુદ્ધ પૂરું થયા પછીના સમયમાં શહેરનું તો પુન:નિર્માણ થયું, પણ યુદ્ધની તબાહી આંખો સામે રહે અને આવનારી પેઢી માટે એક સબક બની રહે તે માટે ૧૯૫૩થી ૧૯૫૭નાં વર્ષો દરમ્યાન લગભગ ૧૫ લાખ ઘનમીટર કાટમાળ બિરકેનકોફ પહાડી પર ખડકી દેવાયો. તેને કારણે પહાડીની ઊંચાઇ લગભગ ૪૦ મીટર વધી ગઈ. બિલ્ડિંગોની છત, કમાન, થાંભલા, દીવાલો વગેરેના નાનામોટા ટુકડાઓનો અહીં ખડકલો છે. એક ક્રોસની મોજૂદગી પણ માહોલને ઓર ગમગીન બનાવતી રહે છે. પણ જેવી કાટમાળ તરફથી નજર દૂર સુધી લીલોતરી વચ્ચે ધબકતા સ્ટુટગાર્ટ તરફ ફરે કે તરત યુદ્ધ એક ઇતિહાસ બની રહે… હા, ભૂલી ન શકાય તેવો ઇતિહાસ…

પહાડી પરથી સ્ટુટગાર્ટ...

પહાડી પરથી સ્ટુટગાર્ટ...

Read Full Post »