Feeds:
Posts
Comments

હિંદી સામયિક “જાગરણ સખી”ના મે-૨૦૦૯ અંકમાં એક સુંદર પ્રેરક કથા વાંચવા મળી. ગુજરાતીમાં ઉતારવાની લાલચ રોકી શકતો નથી. લેખકનું નામ કે કથાનો સોર્સ જણાવ્યો નથી. કદાચ “ઓશોવર્લ્ડ”માંથી પણ હોઇ શકે…

***

એક દિવસ એક સ્ત્રી પોતાના ઘરની બહાર નીકળી અને તેણે જોયું કે ત્રણ સંત તેના દરવાજા પર ખડા છે. તે તેમને ઓળખતી નહોતી તે છતાં તેણે આગ્રહ કર્યો, “આપ અંદર પધારો અને ભોજન કરો.”

સંતોએ પૂછ્યું, “તમારા પતિ ઘરમાં છે?”

તેણે કહ્યું, “ના, તે બહાર ગયા છે.”

“તો અમે અત્યારે નહિ આવી શકીએ. તે જ્યારે ઘેર હશે ત્યારે આવીશું”. સંતોએ કહ્યું.

સાંજે તેનો પતિ ઘેર આવ્યો ત્યારે સ્ત્રીએ તેને બધી વાત કરી. તેના પતિએ કહ્યું, “જઈને એમને કહે કે હું ઘેર આવી ગયો છું અને તેમને માનભેર બોલાવી લાવ.”

સ્ત્રી બહાર ગઈ અને તેમને અંદર આવવા કહ્યું.

સંત બોલ્યા, “અમે એકસાથે કોઇના ઘરમાં નથી જતા.”

“એવું કેમ?” સ્ત્રીએ પૂછ્યું.

તેમાંથી એક સંતે કહ્યું, “મારું નામ ધન છે.” પછી બીજા સંતો તરફ ઇશારો કર્યો, “આ બંનેનું નામ સફળતા અને પ્રેમ છે. અમારામાંથી કોઇ એક જ અંદર આવી શકે. તમારા પતિ સાથે વાત કરીને નક્કી કરી લો કે કોને અંદર બોલાવવા છે!”

સ્ત્રીએ અંદર જઈને પતિને બધી વાત કરી. એ બહુ ખુશ થયો. તેણે કહ્યું, “જો એવું જ હોય તો આપણે ધનને આમંત્રિત કરવો જોઇએ. આપણું ઘર ખુશીઓથી ભરાઇ જશે.”

પણ પત્નીએ કહ્યું, “મને લાગે છે કે આપણે સફળતાને બોલાવીએ.”

બીજા ઓરડામાં બેઠેલી તેમની દીકરી પણ આ સાંભળતી હતી. તેણે આવીને કહ્યું, “મને લાગે છે આપણે પ્રેમને બોલાવવો જોઇએ. પ્રેમથી ઉમદા બીજું કંઇ નથી.”

“તું ખરું કહે છે, આપણે પ્રેમને જ બોલાવવો જોઇએ.” તેનાં માતા-પિતાએ કહ્યું.

સ્ત્રી બહાર ગઈ અને તેણે સંતોને પૂછ્યું, “તમારામાંથી જેનું નામ પ્રેમ છે તેઓ મહેરબાની કરીને અંદર આવે.”

પ્રેમે ઘર તરફ ડગલાં માંડ્યાં એટલે બીજા બે સંત પણ તેમની પાછળ ચાલવા લાગ્યા. સ્ત્રીએ આશ્ચર્યથી તેમને પૂછ્યું, “મેં તો માત્ર પ્રેમની આવવા કહ્યું છે. તમે બંને કેમ આવી રહ્યા છો?”

“જો તમે ધન અને સફળતામાંથી કોઇ એકને આમંત્રણ આપ્યું હોત તો એકલો એ જ અંદર જાત, પણ તમે પ્રેમને બોલાવ્યો છે. પ્રેમ કદી એકલો નથી જતો. પ્રેમ જ્યાં જાય છે, ધન અને સફળતા તેની પાછળ જાય છે.” ધન નામના સંતનો આ જવાબ હતો.

સ્ટુટગાર્ટનું સિટી સેન્ટર

સ્ટુટગાર્ટનું સિટી સેન્ટર

જર્મનીના સ્ટુટગાર્ટમાં એક મહિનો વિતાવીને પરત આવ્યાને હવે પંદર દિવસ થઈ ગયા છે. મિત્રો પૂછે છે કે ત્યાં તમને સૌથી વધુ શું ગમ્યું ત્યારે બહુ વિચારવું નથી પડતું. જર્મની સહિત યુરોપના દેશો ભારત કરતાં જુદાં અક્ષાંશ-રેખાંશ પર આવેલા છે એટલે ત્યાના હવામાન અને તેને લીધે જળવાઇ રહેતા કુદરતી સૌંદર્ય સાથે અહીંની સરખામણી કરવાનો તો કોઇ અર્થ જ નથી, પણ જે કેટલીક બાબતોને લઈને સતત મનોમન સરખામણી થતી રહે તે છે લોકોની સ્વચ્છતા જાળવવા પ્રત્યેની જાગૃતિ, ટ્રાફિક વગેરેના નિયમોના પાલનમાં ડિસિપ્લિન અને ખાસ તો લોકોની બેઝિક પ્રામાણિકતા.

આપણે ભલે આપણી પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિના ઢોલ પીટતા રહીએ, અને એના માટે આપણે ગૌરવ લેવું જોઇએ એમાં પણ બેમત નથી, પણ ઉપર્યુક્ત સહિતની કેટલીક એવી બાબતો છે, જેના અંગે આપણે બહુ ગૌરવ લઈ શકીએ તેમ નથી. આ બધી બાબતોના પાલનમાં ત્યાં કોઇ કશી ચૂક નથી કરતું એવું કહેવાનો કોઇ આશય નથી, પણ ત્યાં એ પ્રમાણ કદાચ એટલું ઓછું છે કે તે દેખાઇ આવતું નથી.

જર્મનીથી આવ્યા પછી પહેલી વાર એક મોલમાં જવાનું થયું. પત્ની પાસે પર્સ હતું.  સુરક્ષાકર્મીએ પર્સને એક બેગમાંમુકાવ્યા પછી એ બેગને સીલ કરીને આપી. આવે સમયે જર્મની યાદ આવે જ. ત્યાં મોલ કે સુપર માર્કેટમાં જઈએ ત્યારે સાથે ગમે તેટલા થેલા-થેલી હોય, સાથે જ રાખવાનાં. બહાર ક્યાંય જમા કરાવવાની કડાકૂટ નહિ. એક સ્ટોરમાંથી કંઇ ખરીદી કરી હોય તે પણ સાથી રાખવામાં કોઇને વાંધો  નહિ. બહાર નીકળતી વખતે ક્યાંય કશું ચેકિંગ નહિ, કંઇ નહિ. આનો અર્થ એવો પણ નથી કે ત્યાં રામરાજ્ય છે. શોપ-લિફ્ટર્સને પકડી પાડવા માટે પૂરતી વ્યવસ્થા હોય છે, અને એવા લોકો પકડાતા પણ હોય છે, પણ તે છતાં સ્ટોરમાં આવશે તે દરેક માણસ ચોરી કરી જશે એવું માનીને તેમની પાસેનાં પર્સ કે બેગ બહાર મુકાવી દેવાતાં નથી.

જર્મનીમાં જાણ્યું કે ત્યાં ટ્રેનો અને બસો વગેરેમાં જે લોકો પોતાની કોઇ ચીજવસ્તુઓ ભૂલી ગયા હોય તે કોઇને મળે તો લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગમાં જમા કરાવી દે. ત્યાંથી એ વસ્તુ પરત મળી જાય. લોકોનાં લેપટોપ પણ આ રીતે પરત મળ્યાના દાખલા છે. આપણે ત્યાં પણ લોકોની પ્રામાણિકતા સાવ મરી પરવારી છે એવું તો કહી શકાય તેમ છે જ નહિ. ફરક કદાચ એ છે કે આવી કોઇ ઘટના બને છે ત્યારે એ છાપાના સમાચાર બની જાય એવી જવલ્લે બનતી ઘટના બની ગઈ છે.

બાકી ગઠિયાઓ તો બધે જ હોવાના. જર્મનીમાં એક મહિના  દરમ્યાન એવો કોઇ ખાસ અનુભવ નથી થયો, પણ કહે છે કે ઇટાલી સહિત યુરોપના કેટલાક દેશોમાં બહુ સાચવવું પડતું હોય છે…

germanસ્ટુટગાર્ટના એક વિશાળ મોલ “ગેલેરિયા”માં લટાર મારતાં મારતાં વાસણોના વિભાગમાં જઈ પહોંચ્યાં. અમદાવાદમાં પણ હવે મોલ કલ્ચર સારું એવું વિકસી ચૂક્યું છે એટલે કોઇ મોલમાં જઈને નવાઇ પામવા જેવું તો ભાગ્યે જ કંઇ રહ્યું છે. જાતજાતનાં વાસણો, રસોડામાં કામ લાગે તેવાં ઉપકરણો વચ્ચેથી પસાર થતાં હતાં ત્યાં પ્રતીક્ષાએ પ્રશ્ર કર્યો, “જર્મન સિલ્વરનાં વાસણો હોય એ અહીં મળતાં હશે?” પછી પૂછ્યું, “જર્મન સિલ્વર એટલે શું હોય?”
મારી જે થોડીઘણી જાણકારી હતી તેને આધારે મેં કહ્યું કે જર્મનીમાં કદાચ શોધાઇ હશે એટલે તેને જર્મન સિલ્વર કહેતા હશે. “બટ વ્હાય સિલ્વર?” પ્રતીક્ષાનો પ્રશ્ન. એનો જવાબ તો મને ખબર નહોતી. વાત પૂરી થઈ પણ એ પ્રશ્ન મનમાં ઘૂમરાતો રહ્યો. ઘેર પહોંચીને જર્મન સિલ્વર વિષે થોડી માહિતી શોધવા પ્રયાસ કર્યો. સૌથી પહેલાં એ જોયું કે “ભગવદ્ગોમંડળ” એ વિષે શું કહે છે. તેમાં જણાવાયું છે કે “એક જાતની રૂપા જેવી તાંબું, જસત અને નિકલના મિશ્રણવાળી ચળકતી ધાતુ. વજનમાં હલકી હોવાથી તેનો વાસણ, વિમાન વગેરે બનાવવામાં ઉપયોગ થાય છે.”
કોલંબિયા એન્સાઇક્લોપિડિયામાં જર્મન સિલ્વર વિષે એવી માહિતી છે કે “તાંબું, જસત અને નિકલના વિવિધ મિશ્રણને જર્મન સિલ્વર નામ અપાયું છે. ક્યારેક તેમાં સીસું અને ટિન પણ હોય છે. તેના ચાંદી જેવા રંગને લીધે તેને આ નામ મળ્યું છે. જોકે જે મિશ્રણમાં ચાંદી એટલે કે સિલ્વર ન હોય તેને માટે સિલ્વર શબ્દનો ઉપયોગ કરવા પર હવે પ્રતિબંધ છે. આ ધાતુ તેની સખતાઇ, મજબુતાઇ અને હવામાનની અસરને લીધે ખવાઇ જવા સામે પ્રતિરોધક હોવાને લીધે તેનો વ્યાપક ઉપયોગ થાય છે. ૧૯મી સદીના પ્રારંભે એક જર્મન રસાયણશાસ્ત્રી ઇ. એ. ગેઇટનરે તેની શોધ કરી હતી.”
આજે પણ જર્મન સિલ્વરનો વ્યાપક ઉપયોગ થાય છે, અને વાસણો ઉપરાંત વિવિધ વાજિંત્રો બનાવવામાં તે ખાસ વપરાય છે. બીજા પણ તેના ઘણા ઉપયોગો છે.
એક સમય હતો કે ગામડાંઓમાં પણ ભાગ્યે જ કોઇ ઘર એવું હોય જ્યાં જર્મન સિલ્વરનાં વાસણો ન હોય. પ્રતીક્ષાએ જર્મન સિલ્વર અંગે પ્રશ્ન પૂછ્યો તે પછી ખરેખર તો મારું મન બાળપણની યાદોમાં સરી પડ્યું હતું. પોરબંદર પાસેના નાનકડા ગામ છાંયા (આજે તો છાંયા નગરપાલિકા છે)ના અમારા ઘરમાં હું નાનો હતો ત્યારે જર્મન સિલ્વરનાં વાસણો હતાં અને એક ખાસ વાટકામાં હું ખાતો તે આજે પણ મારી નજર સામે તરવરી ઊઠ્યો છે. એ બધાં વાસણોનું પછી શું થયું એ હવે યાદ નથી, પણ માત્ર તેની સ્મૃતિઓ રહી છે.
છેક અહીં જર્મનીના સ્ટુટગાર્ટમાં નાનપણની યાદો આ રીતે સજીવન થઈ ઊઠશે એવી તો કલ્પના પણ ક્યારે કરી હોય…

Angels_and_demonsસિર્ફ હાં યા ના મૈં જવાબ દિજિયે… હિંદીં ફિલ્મોની અદાલતોના સીનમાં આ સંવાદ હજારો વાર બોલાઇ ચૂક્યો છે. ફિલ્મ “એન્જલ્સ એન્ડ ડેમન્સ”માં સિમ્બોલિસ્ટ ટોમ હેન્ક્સને પૂછવામાં આવે છે, “તમે ભગવાનમાં માનો છો?”

આ પ્રશ્નનો જવાબ હા કે ના માં આપવો કદી સરળ નથી હોતો. ભગવાનમાં માનનારાને આસ્તિક અને ન માનનારાને નાસ્તિક ગણી લેવાતા હોય છે, પણ આસ્તિકતા અને નાસ્તિકતા એથી ક્યાંય વધુ ગહન બાબત છે. ભગવાનમાં માનનારો પૂરેપૂરો આસ્તિક ન હોય અને ન માનનારો સાવ નાસ્તિક ન પણ હોય. આમ પણ આસ્તિકતા અને નાસ્તિકતા ઘણા લોકો માટે સગવડિયો ધર્મ હોય છે.  આ વિષય પર ઘણું લખાયું છે અને લખાતું રહેવાનું છે. “એન્જલ્સ એન્ડ ડેમન્સ”માં ટોમ હેન્ક્સ પણ જવાબમાં સીધી હા કે ના પાડતો નથી. તે કંઇક ફેરવીને જવાબ આપવાનો પ્રયાસ કરે છે ત્યારે તેને પૂછવામાં આવે છે, “કોણ શું કહે છે એ નહિ, તમે પોતે ભગવાનમાં માનો છો?” જવાબમાં તે કહે છે, “મારું મન કહે છે કે હજી હું ભગવાનને સમજી શક્યો નથી.” પ્રશ્ન : “તમારું દિલ શું કહે છે?” ટોમ હેન્ક્સ કહે છે, “શ્રદ્ધા એક ભેટ છે, જે હજી મને મળી નથી.” 

બેએક વર્ષ પહેલાં ડેન બ્રાઉનની નવલકથા અને તેના પરથી બનેલી ફિલ્મ “દા વિન્ચી કોડ” ખૂબ વિવાદાસ્પદ બની હતી. તેના પર પ્રતિબંધ લગાડવાની માંગણીઓ થઈ હતી, પણ ફિલ્મ સારી ચાલી હતી. તેને કારણે ડેન બ્રાઉને”દા વિન્ચી કોડ” પહેલાં લખેલી પણ ખાસ કોઈના ધ્યાનમાં ન આવેલી “એન્જલ્સ એન્ડ ડેમન્સ”ની પણ લોટરી લાગી ગઈ. બુક તો બેસ્ટ સેલર થઈ જ, તેના પરથી ફિલ્મ પણ બની, જે હાલમાં રીલીઝ થઈ છે.  

“દા વિન્ચી કોડ”માં લિયોનાર્ડો દા વિન્ચીનાં જગવિખ્યાત પેઇન્ટિંસ “મોનાલિસા” અને “ધ લાસ્ટ સપર”નાં ખ્રિસ્તી ધર્મને સાંકળીને કરાયેલાં અર્થઘટનોએ વિવાદ સર્જ્યો હતો.”એન્જલ્સ એન્ડ ડેમન્સ”નું કથાનક પણ ખ્રિસ્તી ધર્મના સૌથી મોટા કેન્દ્ર વેટિકનમાં આકાર લે છે. સંદર્ભ છેક ૪૦૦-૫૦૦ વર્ષ પહેલાંની ઘટનાઓ સાથે જોડવામાં આવ્યો છે, જ્યારે યુરોપમાં ચર્ચનું પ્રભુત્ત્વ હતું અને ધર્મ સામે વિગ્નાનની કોઈ વિસાત નહોતી. ગેલિલિયો જેવા વૈગ્નાનિકોને તેને કારણે ઘણું સહન કરવું પડ્યું હતું એ તો  જગજાહેર છે. એ ઘટનાઓ અંગે વેટિકન તરફથી દિલગીરી પણ વ્યક્ત થઈ ચૂકી છે. 

કહે છે કે ગેલિલિયો અને એ પછીના સમયમાં વૈગ્નાનિકો, કલાકારો વગેરે પ્રબુદ્ધોએ Illuminati નામનું એક સંગઠન રચ્યું હતું જે આજે પણ એક ગુપ્ત અને ભેદી સંગઠન તરીકે અસ્તિત્વ ધરાવતું હોવાનું મનાય છે. આ Illuminati ફરી સક્રિય થયું છે અને સદીઓ પહેલાં ચર્ચે ચાર વૈગ્નાનિકોને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યા હતા તેનો બદલો લેવા આવ્યું હોવાનું ફિલ્મનું કથાનક છે. સ્વિત્ઝરલેન્ડની “સર્ન” (CERN) પ્રયોગશાળામાં વિશ્વની ઉત્પત્તિ માટે જવાબદાર લેખાતા કણ Antimatter નું સંશોધન સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે. આ Antimatter એવી ઊર્જા છે કે જો તેનો વિધેયાત્મક ઉપયોગ કરાય તો માનવજાત ન્યાલ થઈ જાય, પણ તો તે હજારો અણુબોંબ એકસાથે ફાટે એવો વિનાશ સર્જી શકે. Antimatter રૂપી આ ભયાનક બોંબ વેટિકનમાં ગોઠવીને તેને અને તેની સાથે ખ્રિસ્તી ધર્મને નેસ્તનાબૂદ કરી નાખવાની Illuminatiની ભયાનક યોજના છે. CERN માંથી Antimatter ની ચોરી સાથે ફિલ્મનો પ્રારંભ થાય છે. 

સિસ્ટાઇન ચેપલ સહિતનાં વેટિકનનાં ખ્યાતનામ સ્થળો, પોપનું મૃત્યુ અને નવા પોપની વરણીની પ્રક્રિયાની સાથોસાથ વેટિકનમાં ક્યાંક ગોઠવાયેલું Antimatter ગણતરીના કલાલોમાં શોધવાની દોડધામ અને તે સાથે બનતી રહસ્યમય ઘટનાઓ પ્રેક્ષકોને ઝકડી રાખે છે. ફિલ્મમાં એ પણ દર્શાવાયું છે કે ૪૦૦ વર્ષ પહેલાં હતા એવા વિગ્નાનના વિરોધીઓ આજે પણ છે. ફિલ્મનો એક સંવાદ : “વિશ્વની ઉત્પત્તિનું રહસ્ય જો વિગ્નાનના હાથમાં આવી જશે તો ભગવાન માટે શૂં બચશે?”

પ્રતીક્ષાએ Angels & Demons બુક વાંચી છે. તેના કહેવા મુજબ બુક જેટલી મજા ફિલ્મમાં આવતી નથી. એ પછી બુક વાંચવાની ઇન્તેજારી વધી ગઈ છે…

 

બિરકેનકોફ પર...

બિરકેનકોફ પર...

સ્ટુટગાર્ટની પશ્ચિમે આવેલી પહાડી બિરકેનકોફ જવાનાં બે પ્રયોજન હોઇ શકે. એક તો લગભગ ૫૧૧ મીટરની ઊંચાઇ પરથી સ્ટુટગાર્ટ અને તેની આસપાસના અપાર કુદરતી સૌંદર્યને માણવાની અને બીજું, આ પહાડી પર ખડકાયેલી બીજા વિશ્વયુદ્ધ વખતના વિનાશની સ્મૃતિઓ નિહાળવાનું. સ્ટુટગાર્ટના કુદરતી સૌંદર્યને તો છેલ્લા પંદર દિવસથી મનભરીને માણીએ જ છીએ એટલે અમારે મન બીજા વિશ્વયુદ્ધ સાથે સંકળાયેલી સ્મૃતિઓ નિહાળવાનું વિશેષ મહત્ત્વ હતું. આમ પણ અત્યંત એકાંત ઇચ્છતાં યુગલોને બાદ કરતાં આ પહાડી પર ચઢતાં પ્રવાસીઓ મોટા ભાગે આ સ્મૃતિઓ જોવાના હેતુથી જ આવતાં હોય છે.

બિરકેનકોફનું બસસ્ટેન્ડ ખાસ્સા ઊંચાણ પર આવેલું છે, પણ પહાડી ચઢવા માટે લગભગ ચારેક કિલોમીટર ચાલવું પડે. ટોચે પહોંચીએ એટલે એક બાજુ પહાડી પરથી ચારેકોર અફાટ ફેલાયેલી હરિયાળી મનને પ્રફુલ્લિત કરી દે, પણ પહાડી પર ખડકાયેલો કાટમાળ મનને ગ્લાનિથી ભરી દે. બીજા વિશ્વયુદ્ધની વિભીષિકાનો દસ્તાવેજ જાણે અહીં જીવંત થઈ ઊઠે છે.

DSC01843 

આખા યુરોપને તહસનહસ કરી નાંખનારા બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના આ નાનકડા શહેર પર ૫૩ જેટલા હવાઇ હુમલા થયા હતા, જેને કારણે અનેક બિલ્ડિંગો ધરાશાયી થયાં હતાં. યુદ્ધ પૂરું થયા પછીના સમયમાં શહેરનું તો પુન:નિર્માણ થયું, પણ યુદ્ધની તબાહી આંખો સામે રહે અને આવનારી પેઢી માટે એક સબક બની રહે તે માટે ૧૯૫૩થી ૧૯૫૭નાં વર્ષો દરમ્યાન લગભગ ૧૫ લાખ ઘનમીટર કાટમાળ બિરકેનકોફ પહાડી પર ખડકી દેવાયો. તેને કારણે પહાડીની ઊંચાઇ લગભગ ૪૦ મીટર વધી ગઈ. બિલ્ડિંગોની છત, કમાન, થાંભલા, દીવાલો વગેરેના નાનામોટા ટુકડાઓનો અહીં ખડકલો છે. એક ક્રોસની મોજૂદગી પણ માહોલને ઓર ગમગીન બનાવતી રહે છે. પણ જેવી કાટમાળ તરફથી નજર દૂર સુધી લીલોતરી વચ્ચે ધબકતા સ્ટુટગાર્ટ તરફ ફરે કે તરત યુદ્ધ એક ઇતિહાસ બની રહે… હા, ભૂલી ન શકાય તેવો ઇતિહાસ…

પહાડી પરથી સ્ટુટગાર્ટ...

પહાડી પરથી સ્ટુટગાર્ટ...

 

મ્યુનિકના સિટી સેન્ટરમાં પેડલ રિક્ષા

મ્યુનિકના સિટી સેન્ટરમાં પેડલ રિક્ષા

જર્મનીમાં ઘણાં બધાં આશ્ચર્યો વચ્ચે એક છે પેડલ રિક્ષા. તેને Pedicab પણ કહે, પણ વધુ તો Rikscha તરીકે જાણીતી છે. સ્ટુટગાર્ટમાં તો ક્યાંય જોવા નથી મળી, પણ મ્યુનિકના સિટી સેન્ટર મરિયનપ્લાઝમાં ઘણી Rikscha જોઇ. પછી ખબર પડી કે માત્ર મ્યુનિકમાં જ નહિ, બર્લિન સહિતનાં જર્મનીનાં બીજાં કેટલાંક શહેરોમાં પણ Rikscha દોડે છે, એટલું જ નહિ, આ શહેરો જેમને નિરાંતજીવે જોવાં હોય તેમને માટે ગાઇડની પણ ગરજ સારે છે. બે કલાક માટે તેને બુક કરી શકાય અને તેનું ઓનલાઇન બુકિંગ પણ થઈ શકે છે.

ભારત સહિત એશિયાના મોટા ભાગના દેશોમાં તો પેડલ રિક્ષા અને પગરિક્ષા આજે પણ દોડે છે. કોલકાતામાં તો પગરિક્ષા છે જ. ભારતનાં બીજાં શહેરોની તો ખબર નથી, પણ અમદાવાદમાં માલની હેરફેર માટે પેડલ રિક્ષાનો આજે પણ ઉપયોગ થાય છે. એક સમયે લોકોને પણ બેસાડીને લઈ જવાતા, પણ કેટલાંક વર્ષોથી બંધ કરી દેવાયું છે.  

પગરિક્ષા અને પેડલ રિક્ષા એ મૂળ તો એશિયાની જ પેદાશ છે. Rickshaw શબ્દ મૂળ જાપાની Jinrikisha પરથી આવ્યો છે.  તેનો શાબ્દિક અર્થ થાય “માનવશક્તિથી ચાલતું વાહન”. આજે કોલકાતામાં જોવા મળે છે એ માણસ દોડીને ખેંચી લઈ જાય એવું બે પૈડાંનું વાહન એ જ આવી રિક્ષાનું આદ્ય રૂપ છે અને લગભગ ૧૪૦ વર્ષ  પહેલાં ૧૮૬૮માં જાપાનમાં તે દોડતું થયું હતું. ભારતમાં તેનું આગમન ૧૮૮૦માં થયું અને વીસમી સદીના પ્રારંભે તે ચીનમાં પહોંચ્યું હતું. પગે ખેંચીને ચાલતી રિક્ષા સમય જતાં પેડલ રિક્ષા બની. ભારત અને ચીન તથા જાપાન ઉપરાંત બાંગ્લાદેશ, કંબોડિયા, થાઇલેન્ડ, DSC01708વિયેતનામ, મ્યાંમાર, મલેશિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને મેક્સિકો જેવા દેશોમાં પણ ચાલે છે.

“દો બીઘા જમીન” જેવી ફિલ્મોમાં આવી ચૂકેલી પગરિક્ષા કે પેડલ રિક્ષા માણસ દ્વારા માણસને ખેંચતી હોઇ ઘોર શોષણનું પ્રતીક ગણાય છે. તે ભારત જેવા ગરીબ  દેશમાં હોય એ તો સમજી શકાય,પણ જર્મની જેવા સમૃદ્ધ દેશમાં પણ પેડલ રિક્ષા હોઈ શકે એવી કલ્પના નહોતી. જોકે આશ્ચર્યોની આ દુનિયામાં ક્યાં કમી હોય છે…

View from Stuttgart TV Tower

View from Stuttgart TV Tower

સ્ટુટગાર્ટમાં અત્યારે બરાબર બપોરના બાર વાગ્યા છે. ગયા શનિવારે એર અમીરાતની ફ્લાઇટમાં ફ્રેન્ક્ફર્ટ ઊતરવાનું મનોમન કાઉન્ટડાઉન ચાલી રહ્યું હતું. આજે સ્ટુટગાર્ટમાં પૂરું એક સપ્તાહ થઈ ગયું છે.

દેશની બહાર નીકળવાનો આ પહેલો જ મોકો એટલે ત્રણ-ચાર માસ પહેલાં જ્યારથી આ પ્રવાસનું નક્કી થયું હતું ત્યારથી અમારા બંનેની ઉત્સુકતા અને આતુરતાનો પાર નહોતો, અને મને ખાતરી છે કે અહીં સ્ટુટગાર્ટમાં પ્રતીક્ષા અને કુમારની પણ એ જ હાલત હતી… અંતે પહેલાં મહિનાઓના, પછી દિવસોના અને અંતે કલાકોના કાઉન્ટડાઉન પછી અમે સ્ટુટગાર્ટમાં છીએ.

અહીં જે મોજથી એક સપ્તાહ વીત્યું છે અને બાકીનાં ત્રણ સપ્તાહ વીતવાનાં છે તેના પરથી એટલું તો નક્કી જ છે કે આ એક મહિનો હંમેશ માટે અમારી જિંદગીનો યાદગાર સમય બની રહેવાનો છે.

અહીં પહોંચ્યાં નહોતાં ત્યાં સુધી એવું વિચાર્યું હતું કે રોજેરોજ એક બ્લોગ લખવો, પણ અહીંની વ્યવસ્થા, સુઘડતા, પળેપળ પલટાતી રહેતી મોસમ, કુદરતી સૌંદર્ય, અહીંનાં લોકો અને એવી અનેક બાબતો વિષે કદાચ નિરાંતે જ લખી શકાશે… થોડી તસવીરો મૂકવાની લાલચ રોકી શકાતી નથી…

 

ટીવી ટાવર પરથી સ્ટુટગાર્ટ

ટીવી ટાવર પરથી સ્ટુટગાર્ટ

 

 

 

 

લેન્ડસ્કેપ

લેન્ડસ્કેપ

ફનીક્યુલર ટ્રેન

ફનીક્યુલર ટ્રેન

ચૂંટણીઓ માથે છે. સત્તા પર આવવા માટેની રાજકીય તડજોડ તેની ચરમસીમાએ છે અને જેમજેમ દિવસ નજીક આવતો જશે તેમતેમ અવનવા રંગ જોવા મળશે. NDA
અને UPA પોતપોતાના મોરચા મજબૂત કરવામાં પડ્યા છે. નિવેદનબાજો બરાબર સક્રિય છે.

આવે ટાણે એક મજાની ઘટના બની છે, પણ એ તરફ લોકોનું ખાસ ધ્યાન દોરાયું નથી, કારણ કે જેઓ ધ્યાન દોરી શકે તેમ છે એ નેતાઓ એ તરફ કોઈનું ધ્યાન ન જાય એ માટે
ભૂલેચૂકે પણ કંઇ ન બોલાય જાય તેનું ધ્યાન રાખી રહ્યા છે.

ઘટના વિષે જાણતાં પહેલાં એક સાદો પ્રશ્ન. એવો કોઇ રાજકીય મોરચો રચાઇ શકે ખરો જેમાં કોંગ્રેસ, ભાજપ અને ડાબેરીઓ ત્રણેય હોય? જેઓ આ પ્રશ્નનો જવાબ નામાં આપવા ઇચ્છતા હોય તેમને માટે સમાચાર છે કે આવો એક મોરચો રચાઇ ચૂક્યો છે.

આ વખતે લોકસભાની ચૂંટણીઓની સાથોસાથ સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ છે. વિધાનસભાની કુલ ૩૨ બેઠકો છે. ૧૯૯૪થી અહીં સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) સત્તા પર છે. ૧૯૯૪, ૧૯૯૯ અને ૨૦૦૪ આ ત્રણેય ચૂંટણીઓમાં તેણે જ્વલંત બહુમતી મેળવી હતી. ૧૯૯૪માં ભાજપના ૩ અને સીપીએમના બે પૈકી એક પણ ઉમેદવાર જીત્યો નહોતો. કોંગ્રેસના ૩૧ પૈકી બે જીત્યા હતા, અને SDFના ૩૨માંથી ૧૯ જીત્યા હતા. ૧૯૯૯માં  કોંગ્રેસના ૩૧ અને સીપીએમના બેમાંથી કોઇ જીત્યું નહોતું અને ભાજપે તો એક પણ ઉમેદવાર ઊભો રાખ્યો નહોતો.  SDFના ૩૧માંથી ૨૪ ઉમેદવારો જીત્યા હતા. ૨૦૦૪માં તો ત્રણેય પક્ષોની હાલત ઓર કફોડી થઈ હતી. ભાજપના ૪ અને સીપીએમના એકમાંથી કોઇ જીત્યું નહિ અને કોંગ્રેસના ૩૧માંથી માત્ર એક જ ઉમેદવાર જીત્યો. બાકીની તમામ ૩૧ બેઠકો SDFને મળી.

હવે ૨૦૦૯માં SDFને કોઈ પણ ભોગે હરાવવા માટે એટલે કે કોઈ પણ ભોગે સત્તા પર આવવા માટે રાજકારણીઓ જે કંઈ કરી શકે એ કોંગ્રેસ, ભાજપ અને સીપીએમે કર્યું છે. બધાએ પોતપોતાના સિદ્ધાંતોનું પોટલું વાળીને અભેરાઇએ ચઢાવી દીધું છે અને SDF ને હરાવવા સાથે મળીને એક મોરચો રચ્યો છે. એ મોરચો છે યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF). તેમાં બે-ત્રણ સ્થાનિક પક્ષો પણ જોડાયા છે, પણ ભાજપ, કોંગ્રેસ અને ડાબેરીઓ એક જ મોરચામાં હોય એને સત્તાની લાલસા જ શક્ય બનાવી શકે

વળી આ મોરચાની એક નવીનતા પણ છે. એક જ મોરચામાં હોવા છતાં બેઠકો માટે સમજૂતિ કરવાના નથી. કોંગ્રેસ તો મોટા ભાગે બધી બેઠકો પર ચૂંટણી લડતો રહ્યો છે, પણ ભાજપ અને ડાબેરીઓ કેટલી બેઠકો પર લડશે એ જોવું રસપ્રદ બની રહેશે. વધુ મજાની વાત એ છે કે ત્રણેય પક્ષના રાષ્ટ્રીય નેતાઓ આ મોરચાને સિક્કિમની સ્થાનિક જરૂરિયાત ગણાવીને એનાથી અંતર રાખી રહ્યા છે અને સિક્કિમમાં  પ્રચાર વખતે ત્રણેય પક્ષના નેતાઓ એક જ મંચ પર ન આવે તેની કાળજી રખાઇ રહી છે.

માત્ર યેનકેન પ્રકારેણ સત્તા પર આવવા માટે મોરચો રચવાનો વાંધો નથી, પણ એકબીજા પ્રત્યેની આભડછેટ પાછી ચાલુ રાખવાને “છાસ લેવા જવું ને દોણી સંતાડવી” જ કહીશું ને?

અનુરાગ કશ્યપની ફિલ્મ “દેવ.ડી”ને સમીક્ષકોનો મિશ્ર પ્રતિભાવ મળી રહ્યો છે. કોઇ આ ફિલ્મ પર એટલું ઓવારી ગયું છે કે તેને પાંચ સ્ટાર આપી દીધા છે તો કોઇ ૨૧મી સદીના મરીમસાલા ભભરાવેલી આ પ્રેમકથાથી એટલા નારાજ થયા છે કે તેને એક જ સ્ટાર આપ્યો છે.

સંજય લીલા ભણશાલીએ “દેવદાસ” બનાવી હતી ત્યારે પણ ઘણી હોહા થઈ હતી. જૂની પેઢીનાં જે લોકોએ સાયગલ કે દિલીપકુમારની “દેવદાસ” જોઈ હતી તેમને ભણશાલીનો “દેવદાસ” મુદ્દલ ગમ્યો નહોતો. શરદબાબુની આ ક્લાસિક નવલકથાનું પી.સી. બરુઆ અને બિમલ રોયે પોતપોતાની રીતે અર્થઘટન કર્યું હતું તેમ ભણશાલીનું પોતાનું અર્થઘટન હતું.

હવે “દેવ.ડી”માં અનુરાગ કશ્યપનું પોતાનું અર્થઘટન છે, અને ન્યાય ખાતર પણ કહેવું પડશે કે આજની પેઢીનો દેવદાસ કેવો હોઇ શકે તેનું અતિ વાસ્તવ ચિત્રણ તેમણે કર્યું છે. એક સમીક્ષકે એવું લખ્યું છે કે “દેવ.ડી”નો દેવદાસ જોયા પછી શરદબાબુનો આત્મા જ્યાં હશે ત્યાં આપઘાત કરવાનું વિચારતો હશે, પણ સાવ એવું નથી. કારણ એ કે “દેવ.ડી” શરદબાબુની “દેવદાસ” પર આધારિત છે એવો કોઇ ઉલ્લેખ અનુરાગ કશ્યપે કર્યો નથી. ઊલટાનું ફિલ્મની શરૂઆતમાં એવું Disclaimer મૂક્યું છે કે આ કથા અને પાત્રો કાલ્પનિક છે અને તેને કોઇ જીવંત કે મૃત વ્યક્તિઓ સાથે સંબંધ નથી.

પંજાબી માહોલમાં આકાર લતી “દેવ.ડી” આજની પેઢીનાં દેવદાસ-પારો-ચંદાની કહાણી છે. લંડન ભણવા ગયેલો દેવ નાનપણથી પારોને ચાહે છે, પણ એ પ્રેમ લગભગ સો વર્ષ પહેલાં લખાયેલી નવલકથાનો “રુહાની” પ્રેમ નથી આજની પેઢીનો “જિસ્માની” પ્રેમ છે. તે એ હદે કે દેવ લંડનમાં હોય છે ત્યારે પારો હવે કેવી લાગતી હશે તે જોવા ઇ-મેઇલ મારફત પારોનો ન્યૂડ ફોટો મંગાવે છે અને પેલી મોકલે છેય ખરી. બંને પ્રેમીઓ મળે છે ત્યારે તેમની પહેલી પ્રાયોરિટી શરીરસંબંધ બાંધવાની છે. 

પારોનાં લગ્ન બે છોકરાના બાપ સાથે થઈ જાય છે એટલે ઘર છોડીને નીકળી પડેલો દેવ દારૂ પીવા સાથે ડ્રગ્સ પણ લેવા માંડે છે, અને આ સ્થિતિમાં તે એક દિવસ એક કૂટણખાનામાં જઈ પહોંચે છે જ્યાં તે ચંદાને મળે છે. ચંદાનું મૂળ નામ લેની છે.  ૧૨મા ધોરણમાં હતી ત્યારે તેને ભોળવીને તેનો બોયફ્રેન્ડ તેનો અશ્લીલ વીડિયો ઉતારી તેનો MMS ફરતો કરી દે છે. ઘટનાનો અંત એવો આવે છે કે લેની કૂટણખાનામાં પહોંચી જાય છે અને ભણશાલીની “દેવદાસ” વિડિયો પર જોતાંજોતાં પોતાનું નામ ચંદ્રમુખી રાખી લે છે.

અહીં વિખૂટાં પડેલાં પ્રેમીઓ એક્બીજાના વિરહમાં ઝૂરતાં નથી. તેઓ મળે છે ત્યારે એ મિલનનો અંત પણ પથારીમાં આવે છે.  હિંદી ફિલ્મના હીરો અને હીરોઈન પડદા પર Four Letter Word બોલતાં હોય એવું કદાચ પહેલી વાર બન્યું છે.

એક ફિલ્મકારની નજરે આજની પેઢીના દેવદાસ-પારોનું આ ચિત્રણ છે…

કોઇ ભારતીયને ઓસ્કરના ઉંબરે ખડા કરી દેનારી ફિલ્મ Slumdog Millionaire જેના આધારે બનાવાઈ છે તે વિકાસ સ્વરૂપની અંગ્રેજી નવલકથા Q & A નો ગુજરાતી અનુવાદ “જેકપોટ” વાંચ્યો. ફિલ્મ તો પહેલા જ દિવસે જોઇ લીધેલી. ઘણા સમય પહેલાં એવું વાંચ્યાનું કે સાંભળ્યાનું યાદ છે કે અભિવ્યક્તિનાં બધાં માધ્યમોમાં લિખિત શબ્દની જે તાકાત છે તે અનન્ય છે.  પહેલી વાર તેનો અનુભવ Alistair MacLean ની થ્રિલર પરથી બનેલી ફિલ્મ Breakheart Pass જોઇ હતી ત્યારે થયો હતો. નવલકથામાં જે થ્રિલ હતું તે ફિલ્મમાં નહોતું. લિખિત શબ્દની એ તાકાત હતી.  એ પછી તો વીતેલાં વર્ષોમાં આવો અનુભવ ઘણી વાર થતો રહ્યો છે. Slumdog Millionaire  જોયા પછી Q & Aનો અનુવાદ “જેકપોટ” (અનુવાદ :  સુધા મહેતા, પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ-મુંબઈ, કિંમત રૂ. ૧૬૦) વાંચીને વધુ એક વાર આ અનુભૂતિ થઈ.

તમામ પ્રકારના અભાવો વચ્ચે ઝૂંપડપટ્ટીમાં ઊછરેલો છોકરો એક ક્વિઝ-શોમાં બધા જ પ્રશ્નોના સાચા જવાબો આપીને સૌથી મોટું ઇનામ જીતી જાય છે, અને તેને પુછાયેલા બધા પ્રશ્નોના જવાબો તેણે જીવેલી જિંદગીમાંથી તેને મળ્યા છે એ મૂળ આઇડિયાને બાદ કરીએ તો Slumdog Millionaire અને Q & Aને ખાસ કંઇ લાગતુંવળગતું નથી. એટલે સુધી કે જમાલને પુછાયેલા પ્રશ્નો અને તેના જવાબ સંદર્ભે જિવાયેલી જિંદગીનું નિરુપણ પણ જુદું છે.

એ વાત સાચી છે કે Q & A કોઈ પ્રશિષ્ઠ સાહિત્યિક કૃતિ નથી કે તેના પરથી ફિલ્મ બનાવનારે મૂળ પાઠને વળગી રહેવું પડે અને આમ પણ ફિલ્મકારો સિને માધ્યમની જરુરિયાત મુજબ ફેરફારો કરતા જ  હોય છે, એટલે Slumdog Millionaireમાં વ્યાપક ફેરફારો કરાયા છે એ કોઇ નવાઇની વાત નથી, પણ મજા એ વાતની છે કે ફિલ્મ કરતાં નવલકથાએ વધુ જલસો કરાવી દીધો, એટલું જ નહિ, ફિલ્મ કરતાં નવલકથા વધુ લોજિકલ પણ છે. બાય ધ ફિલ્મમાં જે વ્યાપક ફેરફાર કરાયા છે તે સાથે લેખક વિકાસ સ્વરૂપ સહમત છે, અન તેમની નવલકથાનું હાર્દ ફિલ્મમાં જળવાયું છે એવું તેઓ માને છે.  

નવલકથામાં ક્વિઝમાં પુછાતા દરેક પ્રશ્નનું એક અલાયદું પ્રકરણ અને એ દ્વારા ખુલ્લી થતી યુવાન (ફિલ્મનો જમાલ નવલકથામાં રામ મુહમ્મદ થોમસ છે)ની સંઘર્ષમય જીવનકિતાબનાં પાનાં, જેમાં તે અવનવી પરિસ્થિતિમાં મુકાતો રહે છે અને અવનવાં પાત્રોના પરિચયમાં આવતો રહે છે. એક નવલકથાને રસપ્રદ બનાવવા અને વાચકને જકડી રાખવા જરૂરી હોય એ Twist and Turn નાં બધાં તત્ત્વો અહીં મોજૂદ છે.  

ક્વિઝ-શોમાં છેક સુધી પહોંચી ગયેલા યુવાનને ખરેખર શા માટે પકડવામાં આવે છે, તે પોતાની જીવનકિતાબનાં પાનાં કોની સમક્ષ ખોલે છે અને ખાસ તો ક્વિઝ-શોની તિકડમબાજી આ બધું જે રીતે નવલકથાંમાં છે એવું ફિલ્મમાં નથી. નવલકથામાં અંતે જે કેટલાંક રહસ્યો ખૂલે છે તે પણ ફિલ્મમાં નથી. અને હા, અમિતાભના ઓટોગ્રાફવાળો જુગુપ્સાપ્રેરક સીન ફિલ્મમાં છે એ પણ નવલકથામાં નથી.

Slumdog Millionaire ફિલ્મ તમે જુઓ કે ન જુઓ, નવલકથા તો વાંચવા જેવી છે જ…

Older Posts »