“માન એશિયા લિટરરી પ્રાઈઝ” કદાચ “બુકર” જેટલું બહુ જાણીતું નથી એટલે મીડિયાનું તેના તરફ બહુ ધ્યાન ખેંચાયું લાગતું નથી. સમગ્ર એશિયામાં પ્રગટ થયેલા પણ અંગ્રેજીમાં અપ્રગટ રહેલી શ્રેષ્ઠ પાંચ કૃતિઓને આ પારિતોષિક અપાય છે. લંડન ખાતેની એક અગ્રણી ફાઈનાન્સિયલ સેવાઓ આપતી પેઢી માન ગ્રૂપ દ્વારા સ્પોન્સર્ડ આ પારિતોષિકનું સંચાલન હોંગકોંગ યુનિવર્સિટી અને ચાઇનીઝ યુનિવર્સિટી કરે છે. ૨૦૦૮ના ઓક્ટોબરમાં જાહેર થનારા આ પારિતોષિક માટે એશિયાભરમાંથી આવેલી કૃતિઓ પૈકી અંતિમ ૨૧ની પસંદગી કરાઇ છે, તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર લેખિકા છે સલમા.
સલમા આમ તો એક ઉપનામ છે. મૂળ લેખિકાએ પોતાની ઓળખ છુપાવવા આ નામે લખવું શરૂ કર્યું હતું અને આજે રુકૈયા મલિક સલમા તરીકે જ વધુ ઓળખાય છે. સલમા તમિળ લેખિકા છે. તાજેતરનાં વર્ષોમાં આધુનિક તમિળ સાહિત્યને જે કેટલીક સશક્ત કલમો મળી છે તેમાં સલમા પણ એક છે. નારીવાદી ગણાતી સલમાના ત્રણ કાવ્યસંગ્રહો, એક નવલકથા અને થોડીક ટૂંકી વાર્તાઓ પ્રગટ થયાં છે, પણ આજે સ્થિતિ એ છે કે આધુનિક તમિળ સાહિત્યની વાત કરવી હોય તો સલમાનો ઉલ્લેખ કરવો જ પડે.
સલમાએ જે સફળતા મેળવી છે અને જે સંજોગોમાં પોતાનો માર્ગ કંડાર્યો છે તેને “સાહિત્ય થકી સ્ત્રી-સશક્તિકરણનું જીવંત ઉદાહરણ” માનવામાં આવે છે. સારું સાહિત્ય રચવા માટે હૈયાઉકલત અને કોઠાસૂઝ વધુ જરૂરી છે. એ માટે ન તો કોઇ ક્લાસ ભરવા પડે છે કે ન તો કોઇની પાસે તાલીમ લેવી પડે છે કે ન તો એ માટે ખાસ કોઈ ડિગ્રી લેવી પડે છે એનું પણ સલમા જીવતુંજાગતું ઉદાહરણ છે.
૧૯૬૮માં તમિળનાડુના તિરુચિ પાસેના એક ગામ થુવારાંકુરુચિમાં રુઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં જન્મેલી રુકૈયા નવમા ધોરણમાં હતી ત્યારે ઉઠાડી લેવાઇ હતી કારણ કે તેનાં માતા-પિતા એવું માનતાં કે છોકરી રજસ્વલા બને તે પછી ભણવા ન જવાય. ભણવાનું બંધ થયું પણ રુકૈયાનો વાંચનનો શોખ ચાલુ રહ્યો. ભાઇ લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવી આપતો. મનમાં ઘમસાણ તો પહેલેથી જ મચેલું હતું, તેમાં વિવિધ વાચને ઓર વધારો કર્યો. પોતાની અંદર જે વલોવાતું રહેતું હતું તેને વાચા આપવા લખવાનું શરુ કર્યું. ૧૭મે વર્ષે તેણે પહેલી કવિતા લખી હતી. ૨૦મા વર્ષે પરણીને સાસરે ગઈ ત્યાં લખવા પર પ્રતિબંધ આવી ગયો.
પતિ અને સાસરિયાંના શારીરિક અને માનસિક ત્રાસ વચ્ચે પણ રુકૈયાએ લખવું ચાલુ રાખ્યું. હવે તેણે “સલમા” નામે લખવું શરૂ કર્યું. માત્ર તેની માતા જાણતી હતી કે સલમા એ જ રુકૈયા છે. એક સામયિકમાં તેના ફોટા સાથે પરિચય છપાયો ત્યારે તેના પતિને ખબર પડી કે સલમા ખરેખર કોણ છે. પહેલાં તો ભારે હોબાળો મચી ગયો પણ સમય જતાં સલમા લેખિકા છે એ સ્વીકૃત થઈ ગયું છે. ઘણાં પારિતોષિકો તેને મળી ચૂક્યાં છે. તેની કૃતિઓના અંગ્રેજી સહિત અનુવાદો થવા માંડ્યા છે. તેની તમિળ નવલકથા “ઇરાન્દામ જનમગાલિન કથાઇ” (Irandaam Jamangalin Kathai)નો લક્ષ્મી હોલ્મસ્ટ્રોમે “મિડનાઇટ ટેલ્સ” નામે અંગ્રેજી અનુવાદ કર્યો છે, જે ટૂંક સમયમાં પ્રગટ થશે.
આજે સલમા તેના ગામની પંચાયતની સરપંચ છે. તમિળનાડુ સરકારે રાજ્યના સમાજ કલ્યાણ બોર્ડના ચેરપર્સન તરીકે તેની નિયુક્તિ કરી છે. તમિળ સાહિત્યમાં ઉત્કૃષ્ઠ પ્રદાન કરવા બદલ તેને ૨૦૦૭માં એવોર્ડ આપવામાં આવ્યો હતો.તે સ્વીકારતી વખતે તેણે કહ્યું હતું, “મારાં લખાણો મોટે ભાગે મારા પોતાના અનુભવો પર આધારિત છે. પણ આ અનુભવો મારી એકલીના નથી, પણ તે દરેક સ્ત્રીના છે.”
સરસ..અભિનન્દન.. સાચી વાત છે. પ્રતિભા કયારેય છૂપી રહી શકતી નથી.
“મારાં લખાણો મોટે ભાગે મારા પોતાના અનુભવો પર આધારિત છે. પણ આ અનુભવો મારી એકલીના નથી, પણ તે દરેક સ્ત્રીના છે.”
nice one……
congrats to both of u…..
As usual, very knowledge enriched post….i was not knowing about this harsukhbhai
Thanks