Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Madhuri’

ગુજરાતના લોકનેતા અને આજીવન સેવાના ભેખધારી ઇન્દુલાલ યાગ્નિકની છ ભાગમાં ફેલાયેલી આત્મકથાનું પુન: પ્રકાશન થઈ રહ્યું છે એ બહુ મોટી ઘટના છે. મહાગુજરાત માટેની તેમની રાજકીય લડત તો ઐતિહાસિક મહત્ત્વ પામી ચૂકી છે, પણ રાજકીય કારકિર્દી દરમ્યાન વચ્ચે થોડાં વર્ષો તેઓ મુંબઈ પણ રહી આવ્યા હતા, ત્યારે ફિલ્મી દુનિયામાં પણ તેમણે કરેલા સંઘર્ષની એક અનોખી કથા છે.

થોડાં વર્ષો પહેલાં ઇન્દુચાચાની ફિલ્મી કારકિર્દી અંગે ખાંખાંખોળાં કરવા દરમ્યાન તેમની આત્મકથામાંથી અને બીજા કેટલાક સ્રોતોમાંથી ઘણી રસપ્રદ વિગતો મળી હતી.

વાત છેક ૧૯૨૫ના અરસાની છે. ત્યારે “ઇન્દુચાચા” હજી ઇન્દુલાલ યાગ્નિક જ હતા. રાજકીય જીવનમાં તેમને ભારે મોટો યશ અપાવનાર મહાગુજરાતના આંદોલનને તો  હજી ખાસ્સા ત્રણ દાયકાની વાર હતી. ૧૯૨૫માં ગાંધીજી સાથેના વિચારભેદથી તેઓ અમદાવાદ છોડી મુંબઈ જતા રહ્યા હતા. શરૂઆતમાં પત્રકાર તરીકે નોકરી કર્યા બાદ એમાંથી પણ મુક્ત થયા અને અનાયાસ ફિલ્મી દુનિયા તરફ વળી ગયા હતા.

ગિરગામમાં એ વખતે કૃષ્ણ સિનેમા શરૂ થયું હતું. પત્રકાર હોવાને નાતે આમંત્રણ મળતાં તેઓ ફિલ્મ જોવા ગયા હતા. પટકથા-લેખનમાં એ જમાનામાં મોહનલાલ દવેનો વટ પડતો. વાતવાતમાં ઇન્દુલાલે જાણ્યું કે મોહનલાલ દવેને એક ફિલ્મની વાર્તા લખવાના ૧૨૦૦ રૂપિયા મળે છે, ત્યારે તેમને પણ ફિલ્મો માટે વાર્તા લખવાની ચાનક ચઢી અને એ માટે તક શોધવા લાગ્યા. એ વખતે તેઓ “હિન્દુસ્તાન”ના તંત્રી હતા. ૧૯૨૬ના આરંભે હિમાંશુ રાયે “લાઈટ ઓફ એશિયા” ફિલ્મ અંગ્રેજી સબટાઇટલો સાથે બનાવી હતી. ખાસ આમંત્રિતો માટેના આ શોમાં ઇન્દુલાલ યાગ્નિકનો પરિચય હિમાંશુ રાય સાથે થયો. ઇન્દુલાલ પત્રકાર-લેખક છે અને અંગ્રેજી પર સારો કાબૂ ધરાવે છે એ જાણ્યા પછી હિમાંશુ રાયે તેમને “લાઇટ ઓફ એશિયા”નાં અંગ્રેજી સબટાઇટલોનું ગુજરાતી ભાષાંતર કરી આપવાની ઓફર કરી.

ફિલ્મો માટી સીધેસીધું કંઇ પણ લખવાનું ઇન્દુલાલ માટે આ પ્રથમ કામ હતું. “લાઇટ ઓફ એશિયા” ફિલ્મ “ગ્રેટ ઇસ્ટર્ન કોર્પોરેશન”ના નેજા હેઠળ બની હતી. ભાષાંતરનું કામ કર્યા બાદ કંપનીના સંચાલકોને તેમણે કહ્યું કે એક ઐતિહાસિક ફિલ્મ માટેનો પ્લોટ પોતાની પાસે છે. સંચાલકોએ હા પાડતાં ઇન્દુલાલે “નૂરજહાં” ફિલ્મની વાર્તા લખી, પણ ત્યારે તેમને ખબર નહોતી કે ફિલ્મી દુનિયા બડી વિચિત્ર છે. અહીં કોઇ પણ માણસ બીજાની પ્રગતિ થાય એવું ઇચ્છતો નથી. “નૂરજહાં”ના મામલે હિમાંશુ રાયે ટાંગ અડાવતાં સંચાલકે વાર્તા પરત કરી દીધી.

ઇન્દુલાલ નિરાશ થયા પણ હિંમત ન હાર્યા. થોડા સમય બાદ ઇમ્પિરિયલ સ્ટુડિયોના અબુ શેઠે તેમની પાસે વાર્તા માંગી. અબુ શેઠને નવી જ વાર્તા આપવા તેઓ જુદાજુદા પ્લોટ વિચારવા માંડ્યા. તેમાં એક વાર ઠક્કરબાપા સાથે પાવાગઢ ગયા હતા તે યાદ આવતાં “પાવાગઢનું પતન” ફિલ્મની વાર્તા લખી. આ વાર્તા અબુ શેઠને ગમી પણ ગઈ ને તેમને મહેનતાણાના સો રૂપિયા ચૂકવી પણ આપ્યા, પણ પછી તેમને લાગ્યું કે આ વાર્તા પરથી ફિલ્મ બનશે તો કદાચ હિંદુ-મુસ્લિમ તોફાનો પણ થાય એ ભયે તેમણે ફિલ્મ બનાવી જ નહિ.

આ રીતે પ્રારંભે નિષ્ફળતા મળતી રહેતાં ફિલ્મી દુનિયામાં પગ જમાવવાનો તેમનો સંઘર્ષ ચાલુ જ રહ્યો હતો. ૧૯૨૬ના અંત ભાગમાં “ઓર્ફન્સ ઓફ ધ સ્ટોર્મ્સ” નામની એક ફિલ્મ તેમણે ૪૦૦ રૂપિયામાં ખરીદી હતી. તેને થિયેટરોમાં રજૂ કરીને બે પૈસા કમાવાની તેમની ધારણા હતી, પણ એ ફિલ્મ ચાલી જ નહિ. દરમ્યાનમાં તેમણે અંગ્રેજી-ગુજરાતી અખબારો-સામયિકોમાં ફિલ્મો વિષે લખવા પણ માંડ્યું હતું. તેને કારણે ફિલ્મો દુનિયામાં તેમના સંપર્કો વધવા માંડ્યા હતા. તેને આધારે જ ૧૯૨૭માં એ જમાનાની સ્ટાર ગણાતી સુલોચના ઉર્ફે રુબિ માયર્સને લઈને એક ફિલ્મ બનાવવાનું તેમણે આયોજન કર્યું. સુલોચનાને જ કેન્દ્રમાં રાખીને એક વાર્તા લખી તેમણે દિગ્દર્શક ભવનાનીને બતાવી. ભવનાનીએ એ વાર્તા “ઇમ્પિરિયલ સ્ટુડિયો”ના માલિક અરદેશર ઇરાનીને બતાવી અને અંતે એ ફિલ્મનું નિર્માણ થયું.

પોતાની વાર્તા પરથી ફિલ્મ બનતાં ઇન્દુલાલનો જુસ્સો વધ્યો. દરમ્યાનમાં એક જાગ્રત અને પ્રગતિશીલ ફિલ્મકારને આવે એવો વિચાર તેમને આવ્યો. તેમને થયું કે દેશના સાહિત્ય અને ઇતિહાસમાં ઝળકતા સિતારાઓને રૂપેરી પડદે ચમકાવવાનું કામ તો કોઇ કરતું જ નથી. શા માટે પોતે એ કામ ન કરવું?

“કોહિનૂર ફિલ્મ કંપની’માં કામ કરતા દિગ્દર્શક નારાયણ દેવારે સાથે તેમણે ઉચ્ચ કોટિની ફિલ્મો બનાવવાની યોજના ઘડી કાઢી. નારાયણના મોટા ભાઇ ગજાનન પણ તેમાં જોડાયા. ત્રણેય જણાએ “ક્લાસિકલ પિકચર્સ કોર્પોરેશન” નામની કંપની રજિસ્ટર કરાવી. ઇન્દુલાલના મિત્ર નગીનદાસ માસ્તર ફાઇનાન્સ કરવા તૈયાર થઈ ગયા. “પાવાગઢનું પતન” વાર્તા તો તૈયાર હતી જ. મૂળ વડોદરાના દિગ્દર્શક નાગેન્દ્ર મજમુદારને દિગ્દર્શન સોંપ્યું. “પાવાગઢનું પતન” ફિલ્મ રજૂ થઈ ત્યારે હોબાળો થયો. પ્રેક્ષકોના એક વર્ગે ફિલ્મમાં મહંમદ બેગડાને કેળું ખાતો બતાવ્યો હતો તે અને તેને દેવી સામે ઝૂકીને આશીર્વાદ લેતો બતાવ્યો હતો તે દૃશ્યો સામે વાંધો લીધો. ચાલુ ફિલ્મે ધાંધલ કર્યું. અંતે એ દૃશ્યો ફિલ્મમાંથી કાઢી નાખવાંપડ્યાં હતાં. ૧૯૨૮માં “પાવાગઢનું પતન” જ્યાં જ્યાં રજૂ થઈ ત્યાં ત્યાં તેને સારો આવકાર મળ્યો, પરિણામે ઇન્દુલાલે “યંગ ઇન્ડિયા” નામની બીજી ફિલ્મનું નિર્માણ હાથ ધર્યું. એ સમયની બે લોકપ્રિય અભિનેત્રીઓ ઝુબેદા અને સુલતાનાને તેમણે આ ફિલ્મમાં લીધી. ૧૯૨૯ના આરંભમાં મુંબઈના વેસ્ટએન્ડ સિનેમામાં આ ફિલ્મ રજૂ થઈ, પણ બીજા જ અઠવાડિયે સખત ઠંડી શરૂ થતાં થિયેટરો ખાલી પડવા માંડ્યાં. બે લોકપ્રિય હીરોઇનો હોવા છતાં ફિલ્મ ચાલી નહિ એટલે તેમણે પછી નવાં કલાકારોને લઈને ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો.

એક નવી અભિનેત્રીની શોધ તેમણે કરવા માંડી. એક એંગ્લો-ઇન્ડિયન પરિવારની બેરિલ ક્લેસાન નામની યુવતી તેમની નજરમાં વસી જતાં તેને ફિલ્મોમાં કામ કરવા માટે તેનાં માબાપને મનાવી લીધાં. બેરિલને તેમણે માધુરી નામ આપ્યું. આ માધુરીએ પછી તો બીજી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, અને લોકપ્રિયતા મળવી હતી. માધુરીને લઈને ઇન્દુલાલે “રજપૂત સવાર” ફિલ્મ બનાવી. તેનું દિગ્દર્શન રમાકાન્ત ધારેખાનને સોંપ્યું હતું પણ તેની સાથે અણબનાવ થતાં ઇન્દુલાલે પોતે દિગ્દર્શન કરવા માંડ્યું હતું. આ ફિલ્મ રીલીઝ થઈ એ સમયે મુંબઈમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતા, એટલે ફિલ્મને આર્થિક ફટકો પડ્યો હતો, તેમ છતાં કમાણી થશે તો તે ફિલ્મમાંથી જ થશે એ આશાએ તેમણે ફિલ્મનિર્માણ ચાલુ રાખ્યું. તેમણે ઝવેરચંદ મેઘાણીની “સૌરાષ્ટ્રની રસધાર”ના પ્રથમ ભાગમાંથી “સાંઇ ને હડી” વાર્તા પરથી “રાખપત રખાપત” ફિલ્મ માધુરીને લઈને બનાવવામાંડી.

આ ફિલ્મનું નિર્માણ ચાલુ હતું તે દરમ્યાન જ ઇન્દુલાલે “કાશ્મીરનું ગુલાબ” ફિલ્મ કાશ્મીરમાં જઈને ઉતારવાનું સાહસ કર્યું. આ ફિલ્મ તેમણે એક જર્મન સાથી ભાગીદારીમાં બનાવવાનું બીડું ઝડપ્યું હતું, પણ તેમાં કેટલાક કડવા અનુભવો થયા. બીજી બાજુ “રાખપત રખાપત” પર પૂરું ધ્યાન ન આપી શકાતાં એમાંય કંઈ ભલીવાર ન આવ્યો. આ બંને ફિલ્મોની નિષ્ફળતાએ તેમને આર્થિક રીતે કફોડી સ્થિતિમાં મૂકી દીધા. તેમના માથે મોટું દેવું થઈ ગયું. એ વખતે અબુ શેઠે તેમને મદદ કરી. તેમની સહાયથી ઇન્દુલાલે “યંગ ઇન્ડિયા પિકચર્સ” નામે નવી કંપની શરૂ કરી. કંપનીનો તમામ અસબાબ તેમણે અબુ શેઠને ગીરો લખી આપ્યો. ૧૯૨૯નો એ ઉત્તરાર્ધ હતો. “કાશ્મીરનું ગુલાબ” ફિલ્મ અધૂરી હતી તે પૂરી કરવા તેમણે શરૂ કર્યું, પણ આ ફિલ્મ કદી પૂરી જ ન થઈ.

બીજી એક ફિલ્મ “કાળીનો એક્કો” બનાવવાનું તેમણે આયોજન કર્યું, પણ ત્યાં સુધીમાં ફિલ્મોમાંથી તેમનો રસ ઓછો થવા માંડ્યો હતો. તેમની જે મૂળ વિચારસરણી હતી એને આ ચાર-પાંચ વર્ષોમાં તેમણે કંઇ છેહ દઈદીધો નહોતો. દેશ-વિદેશમાં બનતી ઘટનાઓને તેઓ પોતાની રીતે માપતા-તોલતા રહ્યા હતા, અને અંતે ૧૯૩૦ આવતા સુધીમાં દેશમાં મહત્ત્વપૂર્ણ રાજકીય ઘટનાઓ જે ઝડપથી આકાર લેવા માંડી હતી એ જોતાં તેઓ ફરી પાછા મુખ્ય પ્રવાહ સાથે જોડાવા થનગનવા માંડ્યા હતા.

૧૯૩૦ના જૂન માસમાં એક દિવસ એવો આવ્યો કે અબુ શેઠે “યંગ ઇન્ડિયા પિકચર્સ”નો સંપૂર્ણ કબજો સંભાળી લીધો અને ઇન્દુલાલ યાગ્નિકે હંમેશ માટે ફિલ્મોને રામરામ કરી દીધા. આજે તો એ વાતની કલ્પના પણ થઈ શકે તેમ નથી કે ઇન્દુલાલ યાગ્નિકને ફિલ્મોમાં ઉપરાછાપરી સફળતા જ મળવા માંડી હોત અને ફિલ્મનિર્માણમાં તેઓ વધુ ને વધુ વ્યસ્ત થતા ગયા હોત અને તો માત્ર ફિલ્મોમાં જ રમમાણ રહ્યા હોત તો?

Read Full Post »