તહમિમા અનામ લંડનમાં સ્થાયી થયેલાં બાંગ્લાદેશી મૂળનાં યુવા લેખિકા છે. હજી ગયા મહિને જ તેમની બીજી અંગ્રેજી નવલકથા “ધ ગુડ મુસ્લિમ” પ્રગટ થઈ છે. તેમની પહેલી નવલકથા “ધ ગોલ્ડન એજ”એ તેમને જે રીતની ખ્યાતિ અપાવી અને આંતરરાષ્ટીય સ્તરના એવોર્ડ્સ પણ અપાવ્યા એ પછી સ્વાભાવિક જ આ નવી નવલકથા ઘણી અપેક્ષાઓ જગાવી ચૂકી છે. “ધ ગુડ મુસ્લિમ” તરફ ધ્યાન ખેંચાવાનું સૌથી મોટું કારણ છે તેનું શીર્ષક.
૨૦૦૬માં હોલીવૂડમાં એક ફિલ્મ બની હતી. તેનું શીર્ષક હતું “ધ ગુડ જર્મન”. આ ફિલ્મ એટલી ગમી ગઈ કે એકથી વધુ વાર જોઇ છે. જોસેફ કેનને લખેલી આ જ નામની નવલકથા પરથી દિગ્દર્શક સ્ટિવન સોડરબર્ગે બનાવેલી ફિલ્મ માત્ર તેના રસપ્રદ કથાનકને કારણે જ નહિ, બીજી ઘણી રીતે મજેદાર લાગી. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછીના તરતના સમયગાળામાં ફિલ્મની ઘટનાઓ આકાર લે છે. ભારે તબાહીનો ભોગ બનેલા બર્લિનમાં અમેરિકા, રશિયા, બ્રિટન સહિતના વિજેતા રાષ્ટ્રોના પ્રતિનિધિઓ ભાવિ રણનીતિ ઘડવા એકઠા થાય છે. જોકે આ બધા દેશોનો એક છૂપો મકસદ પણ છે, અને ત્યાં તેઓ એકબીજાને મહાત કરવા ઇચ્છે છે.
યુદ્ધ પહેલાં જર્મનીમાં ઘણા વિગ્નાનીઓ અનેકવિધ પ્રોજેક્ટમાં લાગેલા હતા. તેમાંના કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ તો ઘણા આગળ વધી ચૂક્યા હતા, પણ યુદ્ધનાં વર્ષો દરમ્યાન ઘણું ખોરંભે પડી ગયું હતું. હિટલરને તેના મકસદમાં સાથ આપનારા ઘણા નાઝીઓને ખતમ કરી દેવાયા હતા અને જેઓ પકડી લેવાયા હતા, તેમની સામે કેસ ચાલવાના હતા, પણ જે જર્મન વિગ્નાનીઓ હતા, તેઓ હિટલર માટે કામ કરતા હોવા છતાં તેઓ જો હાથ લાગે તો તેમને ચોરીછૂપીથી પોતાના દેશમાં લઈ જઈને તેમની આવડતનો ઉપયોગ કરવા બધા ઇચ્છતા હતા. એ માટે બધાએ પોતપોતાની રીતે જાળ બિછાવી રાખી હતી, અને કહેવાની જરૂર નથી કે પડદા પાછળ એક ઓર લોહિયાળ ખેલ શરૂ થઈ ચૂક્યો હતો.
હિટલરના નાઝી શાસન હેઠળના જર્મનીમાં યહૂદીઓ પર જે અમાનવીય અત્યાચારો થયા, તે સાથે જર્મનીમાં રહેતા તમામ જર્મનો સહમત હતા એવું નહોતું. અનેક જર્મનો નાઝીવાદના વિરોધી હતા, પણ તેઓ એટલા લાચાર હતા કે પોતાનો વિરોધ વ્યક્ત કરી શક્યા નહોતા. આવા જર્મનો માટે શબ્દ વપરાયો છે “ધ ગુડ જર્મન”. હિટલરના એક પ્રોજેક્ટ પર કામ કરનાર આવો જ એક વિગ્નાની “ગુડ જર્મન” હતો. તેને હાથ કરવા જે ખેલ ખેલાય છે તે આ ફિલ્મનું કથાનક છે.
દિગ્દર્શક સોડરબર્ગે ફિલ્મને વધુમાં વધુ અસરકારક બનાવવા તેને બ્લેક એન્ડ વ્હાઇટ તો બનાવી જ છે, પણ ફિલ્મનો “આસ્પેક્ટ રેશિયો” એ સમયે પ્રચલિત હતો તે રાખવા ઉપરાંત કેમેરા એન્ગલ અને લાઇટિંગ તથા બેક્ગ્રાઉન્ડ મ્યુઝિક પણ એ સમય મુજબનાં રાખ્યાં છે.
અંગ્રેજી આર્થિક અખબાર Mint માં “ધ ગુડ મુસ્લિમ”ની સમીક્ષા વાંચતા સતત “ધ ગુડ જર્મન” નજર સમક્ષ તરવરતી રહી. બાંગ્લા દેશમાં જન્મેલાં પણ મોટા ભાગે વિદેશમાં જ ઊછરેલાં અને ભણેલાં અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયેલાં તહમિમા અનામ એક નવલકથા ત્રયી લખી રહ્યાં છે, અને પહેલી “ધ ગોલ્ડન એજ” અને બીજી “ધ ગુડ મુસ્લિમ” પછી હજી આ ત્રયીની ત્રીજી નવલકથા તેઓ લખશે. આ ત્રણેય નવલકથાઓના પશ્ચાદભૂમાં ૧૯૭૧માં બાંગ્લાદેશનો મુક્તિ જંગ અને તેમાં ભાગ લેનાર એક પરિવારની કહાણી છે.
“ધ ગુડ મુસ્લિમ” નવલકથા હજી વાંચી નથી, પણ માત્ર સમીક્ષા વાંચીને કોઇ અભિપ્રાય પણ બાંધી લેવો નથી. બસ, એટલું જાણવાની આતુરતા છે કે “ગુડ જર્મન”ની જેમ લેખિકા તહમિમા અનામને “ગુડ મુસ્લિમ” કહેતાં શૂં અભિપ્રેત છે…
[…] હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ […]